૪૧૬ ] [ મોક્ષશાસ્ત્ર આલેખવી તે પોતાના શુદ્ધ સ્વરૂપનો અને ઉપચારથી અનંત કેવળી ભગવાનનો અવર્ણવાદ છે.
(૧૧) પ્રશ્નઃ– જો ભગવાને પરનું કાંઈ નથી કર્યુ તો પછી જગત્ઉદ્ધારક, તરણ- તારણ, જીવનદાતા, બોધિદાતા ઈત્યાદિ ઉપનામોથી ભગવાન કેમ ઓળખાય છે?
ઉત્તરઃ– એ બધાં ઉપનામો ઉપચારથી છે; જ્યારે ભગવાનને દર્શનવિશુદ્ધિની ભૂમિકામાં અનિચ્છકભાવે ધર્મરાગ થયો ત્યારે તીર્થંકરનામકર્મ બંધાઈ ગયું. તત્ત્વસ્વરૂપ એમ છે કે ભગવાનને તીર્થંકરપ્રકૃતિ બંધાતી વખતે જે શુભભાવ થયો હતો તે તેમણે ઉપાદેય માન્યો જ ન હતો, પણ તે શુભભાવ અને તે તીર્થંકરપ્રકૃતિ- બન્નેનો અભિપ્રાયમાં નકાર જ હતો તેઓ રાગને તોડવાનો પુરુષાર્થ કરતા હતા. છેવટે રાગ ટાળી વીતરાગ થયા પછી કેવળજ્ઞાન પ્રગટયું અને દિવ્યધ્વનિ સ્વયં પ્રગટયો; લાયક જીવો તે સાંભળીને સ્વરૂપ સમજ્યા અને તેવા જીવોએ ઉપચારથી જગત્ઉદ્ધારક, તરણતારણ ઇત્યાદિ ઉપનામ ભગવાનને આપ્યાં. જો ખરેખર ભગવાને બીજા જીવોનું કાંઈ કર્યુ હોય કે કરી શક્તા હોય તો જગના સર્વે જીવોને મોક્ષમાં સાથે કેમ ન લઈ ગયા? માટે શાસ્ત્રનું કથન કયા નયનું છે તે લક્ષમાં રાખીને તેના યથાર્થ અર્થ સમજવા જોઈએ. ભગવાનને પરના કર્તા ઠરાવવા તે પણ ભગવાનનો અવર્ણવાદ છે.
એ વગેરે પ્રકારે આત્માના શુદ્ધસ્વરૂપમાં દોષોની કલ્પના આત્માને અનંત સંસારનું કારણ છે.
આ પ્રમાણે કેવળી ભગવાનના અવર્ણવાદનું સ્વરૂપ કહ્યું.
(૧) જે શાસ્ત્રો ન્યાયની કસોટીએ ચડાવતાં અર્થાત્ સમ્યગ્જ્ઞાન વડે પરીક્ષા કરતાં પ્રયોજનભુત બાબતોમાં સાચાં માલૂમ પડે તેને જ ખરાં માનવાં જોઈએ. જ્યારે લોકોની યાદશક્તિ નબળી પડે ત્યારે જ શાસ્ત્રો લખવાની પદ્ધતિ થાય; તેથી લખેલાં શાસ્ત્રો ગણધરભગવાને ગૂંથેલા શબ્દોમાં ન જ હોય, પણ સમ્યગ્જ્ઞાની આચાર્યોએ તેમના યથાર્થ ભાવો જાળવીને પોતાની ભાષામાં શાસ્ત્રરૂપે ગૂંથ્યા હોય અને તે સત્શ્રુત છે.
(ર) સમ્યગ્જ્ઞાની આચાર્યોનાં બનાવેલાં શાસ્ત્રોની નિંદા કરવી તે પોતાના સમ્યગ્જ્ઞાનની જ નિંદા કરવા બરાબર છે; કેમ કે જેણે સાચાં શાસ્ત્રની નિંદા કરી તેનો ભાવ એવો થયો કે મને આવાં સાચાં નિમિત્તનો સંયોગ ન હો પણ ખોટાં નિમિત્તનો સંયોગ હો એટલે કે મારું ઉપાદાન સમ્યગ્જ્ઞાનને લાયક ન હો પણ મિથ્યાજ્ઞાનને લાયક હો.