અ. ૬ સૂત્ર ૧૩ ] [ ૪૧૭
(૩) કોઈ ગ્રંથના કર્તા તરીકે તીર્થંકર ભગવાનનું, કેવળીનું, ગણધરનું કે આચાર્યનું નામ આપેલ હોય તેથી તેને સાચું જ શાસ્ત્ર માની લેવું તે ન્યાયસર નથી. મુમુક્ષુ જીવોએ તત્ત્વદ્રષ્ટિથી પરીક્ષા કરીને સત્ય-અસત્યનો નિર્ણય કરવો જોઈએ. ભગવાનના નામે અસત્ શાસ્ત્રો બનાવ્યાં હોય તેને સત્શ્રુત માની લેવાં તે સત્શ્રુતનો અવર્ણવાદ છે; જે શાસ્ત્રોમાં માંસભક્ષણ, મદિરાપાન, વેદનાથી પીડિતને મૈથુનસેવન, રાત્રિભોજન ઇત્યાદિને નિર્દોષ કહ્યાં હોય, ભગવતી સતીને પાંચ પતિ કહ્યા હોય, જેમાં તીર્થંકર ભગવાનને બે માતા અને બે પિતા કહ્યા હોય-તે શાસ્ત્રો યથાર્થ નથી, માટે સત્યાસત્યની પરીક્ષા કરી અસત્યની માન્યતા છોડવી.
સમ્યગ્દર્શન પ્રગટયા પછી જે જીવને સાતમું-છઠ્ઠું ગુણસ્થાન પ્રગટે તેને સાચું સાધુપણું હોય છે; તેમને શરીર ઉપરનો સ્પર્શેન્દ્રિયને લગતો રાગ ટળી ગયો હોય છે; તેથી ટાઢ, તડકો, વરસાદ વગેરેથી રક્ષણ કરવાનો રાગભાવ તેમને હોતો નથી; માત્ર સંયમના હેતુ માટે તે પદને લાયક નિર્દોષ શુદ્ધ આહારની લાગણી હોય છે, તેથી તે ગુણસ્થાનવાળા જીવોને એટલે કે સાધુને શરીરના રક્ષણ માટે વસ્ત્ર હોય જ નહિ. છતાં ‘જ્યારે તીર્થંકર ભગવાન દીક્ષા લે ત્યારે ધર્મબુદ્ધિથી દેવ તેમને વસ્ત્ર આપે અને ભગવાન તેને પોતાની સાથે રાખ્યા કરે’ એમ માનવું તે ન્યાયવિરુદ્ધ છે, એમાં સંઘ અને દેવ બન્નેનો અવર્ણવાદ છે. સ્ત્રીલિંગને સાધુપણું માનવું, અતિ શુદ્ર જીવોને સાધુપણું હોય એમ માનવું તે સંઘનો અવર્ણવાદ છે. દેહમાં નિર્મમત્વી, નિર્ગ્રંથ, વીતરાગ મુનિઓના દેહને અપવિત્ર કહેવો, નિર્લજ્જ કહેવો, બેશરમ કહેવો; અહીં પણ દુઃખ ભોગવે છે તો પરલોકમાં કેમ ખુશી થશે-ઇત્યાદિ પ્રકારે કહેવું તે સંઘનો અવર્ણવાદ છે.
સાધુ-સંઘ ચાર પ્રકારના છે. તે આ પ્રમાણે-જેમને ઋદ્ધિ પ્રગટી હોય તે ઋષિ; જેમને અવધિ-મનઃપર્યયજ્ઞાન હોય તે મુનિ; ઇન્દ્રિયોને જીતે તે યતિ અને અણગાર એટલે કે સામાન્ય સાધુ.
આત્માનો સ્વભાવ તે ધર્મ છે; સમ્યગ્દર્શન પ્રગટતાં તે ધર્મ શરૂ થાય છે. શરીરની ક્રિયાથી ધર્મ થાય નહિ; પુણ્ય વિકાર હોવાથી તેનાથી ધર્મ થતો નથી તેમ જ તે ધર્મમાં સહાયક થતું નથી. આવું ધર્મનું સ્વરૂપ છે. તેનાથી વિપરીત માનવું તે ધર્મનો અવર્ણવાદ છે. “જિનેન્દ્ર ભગવાને કહેલા ધર્મમાં કાંઈ પણ ગુણ નથી, તેને સેવવાવાળા અસુર થશે, તીર્થંકર ભગવાને જે ધર્મ કહ્યો છે તે જ પ્રમાણે જગતના