૪૧૮ ] [ મોક્ષશાસ્ત્ર અન્યમતોના પ્રવર્તકો પણ કહે છે” એમ માનવું તે ધર્મનો અવર્ણવાદ છે. આત્માના સાચા સ્વરૂપને સમજવું અને સાચી માન્યતા કરવી તથા ખોટી માન્યતા છોડવી તે દર્શનઅપેક્ષાએ આત્માની અહિંસા છે અને ક્રમે ક્રમે સમ્યક્ચારિત્ર વધતાં રાગદ્વેષ સર્વથા ટળી જાય છે તે આત્માની સંપૂર્ણ અહિંસા છે. આવી અહિંસા તે જીવનો ધર્મ છે એમ અનંત જ્ઞાનીઓએ કહ્યું છે; તેનાથી વિરુદ્ધ માન્યતા તે ધર્મનો અવર્ણવાદ છે.
સ્વર્ગના દેવના અવર્ણવાદનો એક પ્રકાર પારા પ માં જણાવ્યો છે. તે ઉપરાંત તે દેવ માંસભક્ષણ કરે, મદ્યપાન કરે, ભોજનાદિક કરે, મનુષ્યણી સાથે કામસેવન કરે-ઇત્યાદિ માન્યતા તે દેવનો અવર્ણવાદ છે.
૮. આ પાંચે પ્રકારના અવર્ણવાદ દર્શનમોહનીયના આસ્રવનું કારણ છે અને દર્શનમોહ તે અનંત સંસારનું કારણ છે.
શુભ વિકલ્પથી ધર્મ થાય-એવી માન્યતારૂપ અગૃહીતમિથ્યાત્વ તો જીવને અનાદિનું ચાલ્યું આવે છે. મનુષ્યગતિમાં જીવ જે કુળમાં જન્મે છે તે કુળમાં ઘણે ભાગે કોઈ ને કોઈ પ્રકારે ધર્મની માન્યતા હોય છે. વળી તે કુળધર્મમાં કોઈને દેવ તરીકે, કોઈને ગુરુ તરીકે, કોઈ પુસ્તકોને શાસ્ત્ર તરીકે અને કોઈ ક્રિયાને ધર્મ તરીકે માનવામાં આવે છે. નાનપણમાં તે માન્યતાનું જીવને પોષણ મળે છે અને મોટી ઉંમરે પોતાના કુળના ધર્મસ્થાને જતાં ત્યાં પણ મુખ્યપણે તે જ માન્યતાનું પોષણ મળે છે. આ અવસ્થામાં જીવ વિવેકપૂર્ણ સત્ય-અસત્યનો નિર્ણય ઘણે ભાગે કરતો નથી અને સત્ય-અસત્યના વિવેકરહિત દશા હોવાથી સાચાં દેવ, ગુરુ, શાસ્ત્ર અને ધર્મ ઉપર અનેક પ્રકારના જૂઠા આરોપો કરે છે. તે માન્યતા આ ભવમાં નવી ગ્રહણ કરેલી હોવાથી અને તે મિથ્યા હોવાથી તેને ગૃહીતમિથ્યાત્વ કહેવામાં આવે છે. આ અગૃહીત અને ગૃહીતમિથ્યાત્વ અનંત સંસારમાં કારણ છે. માટે સત્ દેવ-ગુરુ- શાસ્ત્ર-ધર્મનું અને પોતાના આત્માનું સાચું સ્વરૂપ સમજીને અગૃહીત તેમ જ ગૃહીત- બન્ને મિથ્યાત્વનો નાશ કરવા માટે જ્ઞાનીઓનો ઉપદેશ છે. (અગૃહીતમિથ્યાત્વનો વિષય આઠમા બંધ અધિકારમાં આવશે.) આત્માને ન માનવો, સત્ય મોક્ષમાર્ગને દૂષિત કલ્પવો, અસત્ માર્ગને સત્ય મોક્ષમાર્ગ કલ્પવો, પરમ સત્ય વીતરાગી વિજ્ઞાનમય ઉપદેશની નિંદા કરવી-ઇત્યાદિ જે જે કાર્યો સમ્યગ્દર્શન ગુણને મલિન કરે છે તે સર્વે દર્શનમોહના આસ્રવનાં કારણો છે. ।। ૧૩।।