ઉપસંહાર ] [ ૪૩૭ કારણો છે એમ આ અધ્યાયમાં જણાવ્યું છે; મિથ્યાદ્રષ્ટિને તો તેવા શુભભાવ ખરેખર હોતા નથી, તેના વ્રત-તપના શુભભાવને ‘બાળવ્રત’ને ‘બાળતપ’ કહેવાય છે.
૭. માર્દવપણું, પરની પ્રશંસા, આત્મનિંદા, નમ્રતા, અન્ઉત્સેકતા-એ શુભરાગ હોવાથી બંધનાં કારણો છે; તથા રાગ તે કષાયનો અંશ હોવાથી તેનાથી ઘાતિ તેમ જ અઘાતિ બન્ને પ્રકારના કર્મો બંધાય છે તથા તે શુભભાવ હોવાથી અઘાતિ કર્મોમાં શુભઆયુ, શુભગોત્ર, સાતાવેદનીય તથા શુભનામકર્મો બંધાય છે; અને તેનાથી વિપરીત અશુભભાવો વડે અઘાતિ કર્મો અશુભ બંધાય છે. આ રીતે શુભ કે અશુભ બન્ને ભાવો બંધનું જ કારણ છે, એટલે એ સિદ્ધાંત ઠરે છે કે શુભ કે અશુભભાવ કરતાં કરતાં તેનાથી કદી શુદ્ધતા પ્રગટે જ નહિ.
૮. સમ્યગ્દર્શન તે આત્માનો પવિત્ર ભાવ છે, તે પોતે બંધનું કારણ નથી; પણ સમ્યગ્દર્શનની ભૂમિકામાં શુભ રાગ હોય ત્યારે તે રાગના નિમિત્તે કેવા પ્રકારના કર્મનો આસ્રવ થાય તે અહીં જણાવ્યું છે. વીતરાગતા પ્રગટતાં માત્ર ઇર્યાપથ આસ્રવ હોય છે. આ આસ્રવ એક જ સમયનો હોય છે (અર્થાત્ તેમાં લાંબી સ્થિતિ હોતી નથી તેમ જ અનુભાગ પણ હોતો નથી.) આ ઉપરથી સિદ્ધ થયું કે સમ્યગ્દર્શન પ્રગટયા પછી જેટલા જેટલા અંશે વીતરાગતા હોય છે તેટલા તેટલા અંશે આસ્રવ અને બંધ હોતાં નથી તથા જેટલે અંશે રાગ-દ્વેષ હોય છે તેટલે અંશે આસ્રવ અને બંધ થાય છે. આથી જ્ઞાનીને તો અંશે આસ્રવ-બંધનો અભાવ નિરંતર વર્તે છે. મિથ્યાદ્રષ્ટિને તે શુભાશુભરાગનું સ્વામીત્વ હોવાથી તેને કોઈ પણ અંશે રાગ-દ્વેષનો અભાવ થતો નથી અને તેથી તેને આસ્રવ-બંધ ટળતાં નથી. સમ્યગ્દર્શનની ભૂમિકામાં આગળ વધતાં જીવને કેવા પ્રકારના શુભ ભાવો આવે છે તેનું વર્ણન હવે સાતમા અધ્યાયમાં કરીને આસ્રવનું વર્ણન પૂર્ણ કરશે. ત્યાર પછી આઠમા અધ્યાયમાં બંધતત્ત્વનું અને નવમા અધ્યાયમાં સંવર તથા નિર્જરાતત્ત્વનું સ્વરૂપ કહેશે. ધર્મની શરુઆત સમ્યગ્દર્શનથી થાય છે. સમ્યગ્દર્શન થતાં સંવર થાય છે, સંવરપૂર્વક નિર્જરા થાય છે અને નિર્જરા થતાં મોક્ષ થાય છે, તેથી મોક્ષતત્ત્વનું સ્વરૂપ છેલ્લા અધ્યાયમાં જણાવ્યું છે.
૯. આ અધ્યાયમાં, જીવના વિકારીભાવોને પરદ્રવ્યો સાથે કેવો નિમિત્ત- નૈમિત્તિક સંબંધ છે તે પણ સમજાવ્યું છે. જીવમાં થતી પચ્ચીસ પ્રકારની વિકારી ક્રિયા અને તેનો પર સાથે નિમિત્ત-નૈમિત્તિકસંબંધ કેવો હોય તેનું વર્ણન પણ આ અધ્યાયમાં આપ્યું છે.