ભૂમિકા
‘સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે જ મોક્ષમાર્ગ છે’ એમ આચાર્ય ભગવાને આ શાસ્ત્ર શરુ કરતાં પહેલા જ સૂત્રમાં કહ્યું છે; તેમાં ગર્ભિતપણે એમ આવ્યું કે તેનાથી વિરુદ્ધ ભાવો અર્થાત્ શુભાશુભભાવો તે મોક્ષમાર્ગ નથી પણ સંસારમાર્ગ છે. એ રીતે તે સૂત્રમાં જે વિષય ગર્ભિત રાખ્યો હતો તે વિષય આ છઠ્ઠા-સાતમા અધ્યાયોમાં આચાર્યદેવે સ્પષ્ટ કર્યો છે. છઠ્ઠા અધ્યાયમાં કહ્યું કે શુભાશુભ બન્ને ભાવો આસ્રવ છે, અને તે વિષયને વધારે સ્પષ્ટ કરવા માટે આ સાતમા અધ્યાયમાં મુખ્યપણે શુભાસ્રવને જુદો વર્ણવ્યો છે.
પહેલા અધ્યાયના ચોથા સૂત્રમાં જે સાત તત્ત્વો કહ્યાં છે તેમાંથી આસ્રવતત્ત્વના અજાણપણાના કારણે જગતના જીવો પુણ્યથી ધર્મ થાય છે’ એમ માને છે. વળી કેટલાક શુભયોગને સંવર માને છે, તથા વ્રત-મૈત્રી વગેરે ભાવના, કરુણાબુદ્ધિ વગેરેથી ધર્મ થાય અથવા તો તે ધર્મનું (સંવરનું) કારણ થાય-એમ કેટલાક માને છે. પણ તે માન્યતા અજ્ઞાન ભરેલી છે. એ અજ્ઞાનતા દૂર કરવા માટે આ એક અધ્યાય ખાસ જુદો રચ્યો છે અને તેમાં એ વિષયને સ્પષ્ટ કર્યો છે.
ધર્મની અપેક્ષાએ પુણ્ય અને પાપનું એકત્વ ગણવામાં આવે છે. એ સિદ્ધાંત શ્રી સમયસારમાં ૧૪પ થી ૧૬૩ ગાથા સુધીમાં સમજાવ્યો છે. તેમાં પહેલા જ ૧૪પ મી ગાથામાં કહ્યું છે કે અશુભકર્મ કુશીલ છે અને શુભકર્મ સુશીલ છે એમ લોકો માને છે, પણ જે સંસારમાં દાખલ કરે તે સુશીલ કેમ હોય? -ન જ હોઈ શકે. ત્યારપછી ૧પ૪ મી ગાથામાં કહ્યું છે કે-જે જીવો પરમાર્થથી બાહ્ય છે તેઓ મોક્ષના હેતુને નહિ જાણતા થકા-જો કે પુણ્ય સંસારગમનનો હેતુ છે તોપણ-અજ્ઞાનથી પુણ્યને ઇચ્છે છે. આ પ્રમાણે ધર્મ અપેક્ષાએ પુણ્ય-પાપનું એકત્વ જણાવ્યું છે. વળી શ્રી પ્રવચનસાર ગાથા ૭૭ માં પણ કહ્યું છે કે- પુણ્ય-પાપમાં વિશેષ નથી (અર્થાત્ સમાનતા છે) એમ જે માનતો નથી તે મોહથી આચ્છન્ન છે અને ઘોર અપાર સંસારે ભમે છે.
ઉપરના કારણોથી આ શાસ્ત્રમાં પુણ્ય અને પાપનું એકત્વ સ્થાપન કરવા માટે