અ. ૭ સૂત્ર ૧ ] [ ૪૪૧
૧. આ અધ્યાયમાં આસ્રવતત્ત્વનું નિરુપણ કર્યું છે; છઠ્ઠા અધ્યાયના બારમા સૂત્રમાં વ્રતી પ્રત્યેની અનુકંપા સાતા વેદનીયના આસ્રવનું કારણ છે એમ કહ્યું હતું, પણ ત્યાં મૂળ સૂત્રમાં ‘વ્રતી’ની વ્યાખ્યા કરવામાં આવી ન હતી, તેથી અહીં આ સૂત્રમાં વ્રતનું લક્ષણ આપવામાં આવ્યું છે. આ અધ્યાયના ૧૮ મા સૂત્રમાં કહ્યું છે કે निःशल्यो व्रतो -મિથ્યાદર્શન વગેરે શલ્યરહિત જીવ જ વ્રતી હોય છે એટલે મિથ્યાદ્રષ્ટિને કદી વ્રત હોતાં જ નથી, સમ્યગ્દ્રષ્ટિ જીવને જ વ્રત હોઈ શકે. મિથ્યાદ્રષ્ટિના શુભરાગરૂપ વ્રતને ભગવાને બાળવ્રત કહ્યાં છે. (જુઓ, શ્રી સમયસાર ગાથા ૧પર તથા તેની ટીકા.) ‘બાળ’નો અર્થ અજ્ઞાન છે.
ર. આ અધ્યાયમાં મહાવ્રત અને અણુવ્રત પણ આસ્રવરૂપ કહ્યાં છે, માટે તે ઉપાદેય કેવી રીતે હોય? આસ્રવ તો બંધનો સાધક છે તેથી મહાવ્રત અને અણુવ્રત પણ બંધના સાધક છે અને વીતરાગભાવરૂપ ચારિત્ર તે મોક્ષનું સાધક છે; આથી મહાવ્રતાદિરૂપ આસ્રવભાવોને ચારિત્રપણું સંભવતું નથી. સર્વ કષાયરહિત જે ઉદાસીનભાવ છે તેનું જ નામ ચારિત્ર છે. જેમ કોઈ પુરુષ કંદમૂળાદિ ઘણા દોષવાળી હરિતકાયનો ત્યાગ કરે છે તથા બીજી હરિતકાયનો અહાર કરે છે પણ તેને ધર્મ માનતો નથી તેમ સમ્યગ્દ્રષ્ટિ મુનિ અને શ્રાવક હિંસાદિ તીવ્ર કષાયરૂપ ભાવોનો ત્યાગ કરે છે તથા કોઈ મંદ કષાયરૂપ મહાવ્રત-અણુવ્રતાદિ પાળે છે, પરંતુ તેને મોક્ષમાર્ગ માનતા નથી.
૩. પ્રશ્નઃ– જો એ પ્રમાણે છે તો મહાવ્રત અને દેશવ્રતને ચારિત્રના ભેદોમાં શા માટે કહ્યાં છે? (જુઓ, રત્નકરંડ શ્રાવકાચાર ગાથા ૪૯-પ૦)
ઉત્તરઃ– ત્યાં તે મહાવ્રતાદિને વ્યવહારચારિત્ર કહેલ છે, અને વ્યવહાર નામ ઉપચારનું છે. નિશ્ચયથી તો જે નિષ્કષાયભાવ છે તે જ સાચું ચારિત્ર છે. સમ્યગ્દ્રષ્ટિના ભાવ મિશ્રરૂપ છે એટલે કંઈક વીતરાગરૂપ થયા છે અને કંઈક સરાગ છે; આ કારણે જ્યાં અંશે વીતરાગચારિત્ર પ્રગટયું છે ત્યાં જે અંશે સરાગતા છે તે મહાવ્રતાદિકરૂપ હોય છે, આવો સંબંધ જાણીને તે મહાવ્રતાદિકમાં ચારિત્રનો ઉપચાર કર્યો છે; પણ તે પોતે સાચું ચારિત્ર નથી, પરંતુ શુભભાવ છે-આસ્રવભાવ છે. તે શુભભાવને ધર્મ માનવો તે માન્યતા આસ્રવતત્ત્વને સંવરતત્ત્વ માનવારૂપ છે તેથી તે માન્યતા ખોટી છે. (જુઓ, મોક્ષમાર્ગ પ્રકાશક પા. ર૩૧-ર૩૩)
ચારિત્રનો વિષય આ શાસ્ત્રના ૯ મા અધ્યાયના ૧૮ મા સૂત્રમાં લીધો છે, ત્યાં તે બાબતની ટીકા લખી છે તે અહીં પણ લાગુ પડે છે.