૪પ૬ ] [ મોક્ષશાસ્ત્ર
ઉત્તરઃ– એ વિષયાદિમાં સુખનથી, અજ્ઞાની લોકો ભ્રાંતિથી તેને સુખરૂપ માને છે; પરથી સુખ થાય એમ માનવું તે મોટી ભ્રમણા છે. જેમ, ચામડી-માંસ-લોહીમાં જ્યારે વિકાર થાય ત્યારે નખ-પત્થર વગેરેથી શરીરને ખંજોળે છે, ત્યાં જો કે ખંજોળવાથી વધારે દુઃખ થાય છે છતાં ભ્રમણાથી સુખ માને છે; તેમ અજ્ઞાની જીવ પરથી સુખ-દુઃખ માને છે તે મોટી ભ્રમણા છે.
જીવ પોતે ઇંદ્રિયોને વશ થાય તે જ સ્વાભાવિક દુઃખ છે; જો તેમને દુઃખ ન હોય તો ઇંદ્રિયવિષયોમાં જીવ પ્રવૃત્તિ શા માટે કરે? નિરાકુળતા તે જ સાચું સુખ છે; સમ્યગ્દર્શન-જ્ઞાન વિના તે સુખ હોઈ શકે નહિ. પોતાના સ્વરૂપની ભ્રમણારૂપ મિથ્યાત્વ અને તે પૂર્વક થતું મિથ્યાચારિત્ર તે જ બધા દુઃખનું કારણ છે. વેદના ઓછી થાય તેને અજ્ઞાનીઓ સુખ માને છે, પણ તે સુખ નથી. વેદના જ ન ઉપજે તે સુખ છે અથવા તો અનાકુળતા તે સુખ છે-બીજું નથી; અને તે સુખ સમ્યગ્જ્ઞાનનું અવિનાભાવી છે.
૩. પ્રશ્નઃ– ધનસંચયથી તો સુખ દેખાય છે, છતાં ત્યાં પણ દુઃખ કેમ કહો છો? ઉત્તરઃ– ધનસંચય વગેરેથી સુખ નથી. એક પંખી પાસે માંસનો કટકો પડયો હોય ત્યારે બીજા પંખીઓ તેને ચૂંથે છે અને તે પંખીને પણ ચાંચો મારે છે, ત્યારે તે પંખીની જેવી હાલત થાય છે તેવી હાલત ધન-ધાન્ય વગેરે પરિગ્રહધારી મનુષ્યોની થાય છે. સંપત્તિમાન મનુષ્યને લોકો તેવી જ રીતે ચૂંથે છે. ધનને સંભાળવામાં પણ આકુળતાથી દુઃખી થવું પડે છે, એટલે ધનસંચયથી સુખ થાય છે એ માન્યતા ભ્રમરૂપ છે. પર વસ્તુથી સુખ-દુઃખ કે લાભ-નુકશાન થાય એમ માનવું તે જ મોટી ભ્રમણા છે. પર વસ્તુમાં આ જીવના સુખ-દુઃખનો સંગ્રહ પડયો નથી કે જેથી તે પરવસ્તુ આ જીવને સુખ-દુઃખ આપે.
૪. પ્રશ્નઃ– હિંસાદિ પાંચ પાપોથી વિરક્ત થવાની ભાવના કરવાનું કહ્યું, પરંતુ મહાપાપ તો મિથ્યાત્વ છે છતાં તે છોડવા સંબંધી કાંઈ કેમ ન કહ્યું?
ઉત્તરઃ– સમ્યગ્દ્રષ્ટિ જીવને કેવા શુભાસ્રવ હોય તેની પ્રરુપણા આ અધ્યાય કરે છે. સમ્યગ્દ્રષ્ટિને મિથ્યાત્વરૂપ મહાપાપ તો હોતું જ નથી તેથી તે સંબંધી વર્ણન આ અધ્યાયમાં નથી. આ અધ્યાયમાં સમ્યગ્દર્શન પછીના વ્રતસંબંધી વર્ણન છે. જેણે મિથ્યાત્વ છોડયું હોય તે જ અસંયત સમ્યગ્દ્રષ્ટિ દેશવિરતિ અને સર્વવિરતિ થઈ શકે છે. - એ સિદ્ધાંત આ અધ્યાયના ૧૮ મા સૂત્રમાં કહ્યો છે.
મિથ્યાદર્શન મહાપાપ છે, તેને છોડવાનું પૂર્વે છઠ્ઠા અધ્યાયના ૧૩ મા સૂત્રમાં કહ્યું છે તથા હવે પછી આઠમા અધ્યાયના પહેલા સૂત્રમાં કહેશે. ।। ૧૦।।