૪૬૨ ] [ મોક્ષશાસ્ત્ર જ્ઞાન-આનંદ-સુખનો સદ્ભાવ થાય છે. સમ્યગ્દ્રષ્ટિ જીવોને સંવેગ અને વૈરાગ્યને માટે જગત અને શરીરના સ્વભાવનું વારંવાર ચિંતવન કરવાનું અહીં જણાવ્યું છે.
પ્રશ્નઃ– જો જીવ શરીરનું કાંઈ કરતો નથી અને શરીરની ક્રિયા તેનાથી સ્વયં જ થાય છે, તો શરીરમાંથી જીવ નીકળી ગયા પછી શરીર કેમ ચાલતું નથી?
ઉત્તરઃ– પરિણામો (પર્યાયનો ફેરફાર) પોતપોતાના દ્રવ્યના આશ્રયે થાય છે; એક દ્રવ્યના પરિણામને અન્ય દ્રવ્યનો આશ્રય હોતો નથી. વળી કોઈ પણ કર્મ (કાર્ય) કર્તા વિના હોતું નથી; તેમ જ વસ્તુના એકરૂપે સ્થિતિ હોતી નથી. આ સિદ્ધાંત પ્રમાણે મૃતકશરીરના પુદ્ગલોની લાયકાત જ્યારે લંબાઈરૂપે સ્થિર પડી રહેવાની હોય છે ત્યારે તેઓ તેવી દશામાં પડયા રહે છે, અને તે મૃતકશરીરના પુદ્ગલોના પિંડની લાયકાત જ્યારે ઘરબહાર અન્યત્ર ક્ષેત્રાંતર થવાની હોય ત્યારે તેઓ પોતાના કારણે ક્ષેત્રાંતર થાય છે; અને તે વખતે રાગી જીવ વગેરે નિમિત્તપણે- હાજરરૂપ હોય છે, પણ તે રાગીજીવ વગેરે પદાર્થોએ મડદાની અવસ્થા કરી નથી. મડદાનાં પુદ્ગલો સ્વતંત્ર વસ્તુ છે; તે દરેક રજકણનું પરિણમન તેના પોતાના કારણે થાય છે; તે રજકણોની જે વખતે જેવી હાલત થવા યોગ્ય હોય તેવી જ હાલત તેના સ્વાધીનપણે થાય છે. પરદ્રવ્યોની અવસ્થામાં જીવનું કાંઈ પણ કર્તાપણું નથી. એટલી વાત ખરી છે કે, તે વખતે રાગી જીવને પોતામાં જે કષાયવાળો ઉપયોગ અને યોગ થાય છે તેનો કર્તા તે જીવ પોતે છે.
સંસાર (અર્થાત્ જગત) અને શરીરના સ્વભાવનો યથાર્થ વિચાર સમ્યગ્દ્રષ્ટિ જ કરી શકે છે. જેઓને જગત અને શરીરના સ્વભાવનું યથાર્થ ભાન નથી એવા જીવો-(-મિથ્યાદ્રષ્ટિ જીવો), ‘આ શરીર અનિત્ય છે, સંયોગી છે; જેનો સંયોગ થાય તેનો વિયોગ થાય છે’ એ પ્રકારે શરીરાશ્રિત માન્યતાથી ઉપલક વૈરાગ્ય (અર્થાત્ મોહગર્ભિત કે દ્વેષગર્ભિત વૈરાગ્ય) પ્રગટ કરે છે, પણ તે ખરો વૈરાગ્ય નથી. સમ્યગ્જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય તે જ સાચો વૈરાગ્ય છે. આત્માના સ્વભાવને જાણ્યા વગર યથાર્થ વૈરાગ્ય હોય નહિ. આત્માના ભાન વગર, માત્ર જગત અને શરીરની ક્ષણિકતાને લક્ષે થયેલો વૈરાગ્ય તે અનિત્ય જાગ્રીકા છે, તે ભાવમાં ધર્મ નથી. સમ્યગ્દ્રષ્ટિને પોતાના અસંયોગી નિત્ય જ્ઞાયક સ્વભાવના લક્ષપૂર્વક અનિત્યભાવના હોય છે, તે જ સાચો વૈરાગ્ય છે. ।। ૧૨।।