૪૬૪ ] [ મોક્ષશાસ્ત્ર ભાવોનો અભાવ તે અહિંસા’ એમ સમજવું માટે રાગાદિ વિભાવ રહિત પોતાનો સ્વભાવ છે એવા ભાવપૂર્વક જે પ્રકારે જેટલો બને તેટલા પોતાના રાગાદિ ભાવોનો નાશ કરવો તે ધર્મ છે. મિથ્યાદ્રષ્ટિ જીવને રાગાદિ ભાવોનો નાશ થતો નથી; તેને દરેક સમયે ભાવમરણ થયા જ કરે છે; ભાવમરણ તે જ હિંસા છે, તેથી તેને ધર્મનો અંશ પણ નથી.
૬. ઇંદ્રિયોની પ્રવૃત્તિ પાપમાં હો કે પુણ્યમાં હો, પણ તે પ્રવૃત્તિ ટાળવા વિચાર ન કરવો તે પ્રમાદ છે. (તત્ત્વાર્થસાર પા. ૨૨૩).
૭. આ હિંસા-પાપમાં અસત્ય વગેરે બીજા ચારે પાપો સમાઈ જાય છે. અસત્ય વગેરે ભેદો તો શિષ્યને સમજાવવા માટે દ્રષ્ટાંતરૂપે જુદા કહ્યાં છે.
૮. કોઈ જીવ બીજાને મારવા ચાહતો હોય પણ પ્રસંગ ન મળવાથી મારી ન શકયો, તોપણ તે જીવને હિંસાનું પાપ તો લાગ્યું, કેમ કે તે જીવ પ્રમાદભાવ સહિત છે અને પ્રમાદભાવ તે જ ભાવપ્રાણોની હિંસા છે.
૯. જે એમ માને છે કે‘હું પર જીવોને મારું છું અને પર જીવો મને મારે છે’ તે મૂઢ છે, અજ્ઞાની છે, અને આનાથી વિપરીત-અર્થાત્ જે આવું નથી માનતો તે - જ્ઞાની છે (જુઓ, સમયસાર ગાથા-૨૪૭)
જીવોને મારો કે ન મારો-અધ્યવસાનથી જ કર્મબંધ થાય છે. સામો જીવ મરે કે ન મરે તે કારણે બંધ નથી (જુઓ, સમયસાર ગા. ૨૬૨).
૧૦. ‘યોગ’નો અર્થ અહીં સંબંધ થાય છે. ‘પ્રમત્તયોગાત્’ એટલે પ્રમાદના સંબંધથી. વળી, મન-વચન-કાયાના લક્ષે આત્માના પ્રદેશોનું હલન-ચલન તે યોગએવો અર્થ પણ અહીં થઈ શકે છે. પ્રમાદરૂપ પરિણામના સંબંધથી થતો યોગ તે ‘પ્રમત્તયોગ’ છે.
૧૧. પ્રમાદના પંદર ભેદ છે-૪ વિકથા (સ્ત્રીકથા, ભોજનકથા, રાજકથા, ચોરકથા), પ પાંચ ઇંદ્રિયના વિષયો, ૪ કષાય (ક્રોધ, માન, માયા, લોભ), ૧ નિદ્રા અને ૧ પ્રણય. ઇંદ્રિયાદિ તો નિમિત્ત છે અને જીવનો અસાવધાન ભાવ તે ઉપાદાનકારણ છે. પ્રમાદનો અર્થ પોતાના સ્વરૂપની અસાવધાની-એવો પણ થાય છે.
જીવનો પ્રમત્તભાવ તે શુદ્ધોપયોગનો ઘાત કરે છે માટે તે હિંસા છે; અને સ્વરૂપના ઉત્સાહથી શુદ્ધોપયોગનો જેટલે અંશે ઘાત ન થાય તેટલે અંશે અહિંસા છે. મિથ્યાદ્રષ્ટિને ખરી અહિંસા કદી હોતી નથી. ।। ૧૩।।