Moksha Shastra (Gujarati). Sutra: 18 (Chapter 7).

< Previous Page   Next Page >


Page 469 of 655
PDF/HTML Page 524 of 710

 

અ. ૭ સૂત્ર ૧૭-૧૮ ] [ ૪૬૯

ટીકા

૧. અંતરંગ પરિગ્રહ ચૌદ પ્રકારના છે-એક મિથ્યાત્વ, ચાર કષાય અને નવ નોકષાય.

બાહ્ય પરિગ્રહ દસ પ્રકારના છે-ક્ષેત્ર, મકાન, ચાંદી, સોનું, ધન, ધાન્ય, દાસી, દાસ, કપડાં અને વાસણ.

ર. પરદ્રવ્યમાં મમત્વબુદ્ધિ તે મૂર્છા છે. બાહ્ય સંયોગ વિદ્યમાન ન હોવા છતાં પણ ‘આ મારું છે’ એવો સંકલ્પ જે જીવ કરે છે તે પરિગ્રહ સહિત છે; બાહ્ય દ્રવ્ય તો નિમિત્તમાત્ર છે.

૩. પ્રશ્નઃ– ‘આ મારું છે’ એવી બુદ્ધિને જો તમે મૂર્છા કહેશો તો સમ્યગ્જ્ઞાન વગેરે પણ પરિગ્રહ ઠરશે, કેમ કે તે મારાં છે એવી બુદ્ધિ જ્ઞાનીને પણ થાય છે?

ઉત્તરઃ– પરદ્રવ્યમાં મમત્વબુદ્ધિ તે પરિગ્રહ છે. સ્વદ્રવ્યને પોતાનું માનવું તે પરિગ્રહ નથી. સમ્યગ્જ્ઞાનાદિ તો આત્માનો સ્વભાવ હોવાથી તેનો ત્યાગ હોઈ શકે નહિ માટે તેને પોતાનાં માનવા તે અપરિગ્રહપણું છે.

રાગાદિમાં ‘આ મારાં છે’ એવો સંકલ્પ કરવો તે પરિગ્રહ છે કેમ કે રાગાદિથી જ સર્વ દોષ ઉત્પન્ન થાય છે.

૪. તેરમા સૂત્રના ‘प्रमत्तयोगात्’ શબ્દની અનુવૃત્તિ આ સૂત્રમાં પણ છે; સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રવાન જીવને જેટલા અંશે પ્રમાદ-ભાવ ન હોય તેટલા અંશે અપરિગ્રહીપણું છે. ।। ૧૭।।

વ્રતની વિશેષતા
निःशल्यो व्रती।। १८।।

અર્થઃ– [व्रती] વ્રતી જીવ [निःशल्यो] શલ્યરહિત જ હોય છે.

ટીકા

૧. શલ્ય–શરીરમાં ભોંકાયેલા બાણ, કાંટા વગેરે શસ્ત્રની માફક જે મનમાં બાધા કરે તે શલ્ય છે અથવા આત્માને કાંટાની માફક જે દુઃખ આપે તે શલ્ય છે.

શલ્યના ત્રણ ભેદ છે-મિથ્યાત્વશલ્ય, માયાશલ્ય અને નિદાનશલ્ય. મિથ્યાદર્શનશલ્ય–આત્માના સ્વરૂપની શ્રદ્ધાનો અભાવ તે મિથ્યાદર્શનશલ્ય છે.

માયાશલ્ય–છળ, કપટ, ઠગાઈ તે માયાશલ્ય છે.