૪૭૦ ] [ મોક્ષશાસ્ત્ર
નિદાનશલ્ય–આગામી વિષય-ભોગની વાંછા તે નિદાનશલ્ય છે. ર. મિથ્યાદ્રષ્ટિ જીવ શલ્ય સહિત જ છે તેથી તેને સાચાં વ્રત હોય નહિ, બાહ્યવ્રત હોય. દ્રવ્યલિંગી મિથ્યાદ્રષ્ટિ છે તેથી તે પણ ખરો વ્રતી નથી. માયાવી- કપટીના બધાં વ્રત જુઠ્ઠાં છે. ઇંદ્રિયજનિત વિષયભોગોની વાંછા તે તો આત્મજ્ઞાનરહિત રાગ છે; તે રાગસહિતના વ્રત તે પણ અજ્ઞાનીનાં વ્રત છે, તે ધર્મ માટે નિષ્ફળ છે. સંસાર માટે સફળ છે. માટે શલ્યરહિત પરમાર્થથી જ વ્રતી થઈ શકાય છે.
પ્રશ્નઃ– દ્રવ્યલિંગી મુનિ જિનપ્રણીત તત્ત્વોને તો માને છે, છતાં તેને મિથ્યાદ્રષ્ટિ કેમ કહો છો?
ઉત્તરઃ– તેને વિપરીત અભિનિવેશ હોવાથી શરીરાશ્રિત ક્રિયાકાંડને તે પોતાના માને છે (તે અજીવતત્ત્વમાં જીવતત્ત્વની શ્રદ્ધા થઈ). આસ્રવ-બંધરૂપ શીલ-સંયમાદિ પરિણામોને તે સંવર-નિર્જરારૂપ માને છે. તે જો કે પાપથી વિરક્ત થાય છે. પરંતુ પુણ્યમાં ઉપાદેયબુદ્ધિ રાખે છે તેથી તેને તત્ત્વાર્થની યથાર્થ શ્રદ્ધા નથી; માટે તે મિથ્યાદ્રષ્ટિ છે.
પ્રશ્નઃ– દ્રવ્યલિંગીના ધર્મ સાધનમાં અન્યથાપણું શું છે? ઉત્તરઃ– (૧) સંસારમાં નરકાદિકનાં દુઃખ જાણી તથા સ્વર્ગાદિમાં પણ જન્મ- મરણાદિના દુઃખ જાણી સંસારથી ઉદાસ થઈ તે મોક્ષને ઇચ્છે છે; હવે, એ દુઃખોને તો બધાય દુઃખ જાણે છે. પણ ઇંદ્ર અહમિંદ્રાદિક વિષયાનુરાગથી ઇંદ્રિયજનિત સુખ ભોગવે છે તેને પણ દુઃખ જાણી નિરાકુળ અવસ્થાને ઓળખી તેને જે મોક્ષ જાણે છે તે સમ્યગ્દ્રષ્ટિ છે.
(ર) વિષય સુખાદિકના ફળ નરકાદિક છે, શરીર અશુચિમય અને વિનાશિક છે, તે પોષણ કરવા યોગ્ય નથી, તથા કુટુંબાદિક સ્વાર્થનાં સગાં છે-ઇત્યાદિ પર દ્રવ્યોના દોષ વિચારી તેનો ત્યાગ કરે છે. પર દ્રવ્યોના દોષ જોવા તે તો મિથ્યાત્વ સહિત દ્વેષ છે.
(૩) વ્રતાદિનું ફળ સ્વર્ગ-મોક્ષ છે, તપશ્ચરણાદિક પવિત્ર ફળ આપનાર છે, એ વડે શરીર શોષવા યોગ્ય છે તથા દેવ-ગુરુ-શાસ્ત્રાદિ હિતકારી છે-ઇત્યાદિ પરદ્રવ્યોના ગુણ વિચારી તેને અંગીકાર કરે છે. પરદ્રવ્યને હિતકારી માનવું તે મિથ્યાત્વ સહિત રાગ છે.
(૪) એ વગેરે પ્રકારે કોઈ પરદ્રવ્યોને બૂરાં જાણી અનિષ્ટરૂપ શ્રદ્ધા કરે છે તથા કોઈ પરદ્રવ્યોને ભલાં જાણી ઇષ્ટરૂપ શ્રદ્ધા કરે છે; પરદ્રવ્યમાં ઇષ્ટ-અનિષ્ટરૂપ શ્રદ્ધાન કરવું તે મિથ્યાત્વ છે. વળી એ જ શ્રદ્ધાનથી તેની ઉદાસીનતા પણ દ્વેષરૂપ હોય છે, કેમ કે કોઈ પરદ્રવ્યોને બૂરાં જાણવાં તેનું નામ દ્વેષ છે.