અ. ૭ સૂત્ર ૧૮ ] [ ૪૭૧
(પ) વળી જેમ પહેલાં શરીરાશ્રિત પાપ કાર્યોમાં તે કર્તાપણું માનતો હતો તે જ પ્રમાણે હવે તે શરીરાશ્રિત પુણ્યકાર્યોમાં પોતાનું કર્તાપણું માને છે. એ પ્રમાણે પર્યાયાશ્રિત (-શરીરાશ્રિત) કાર્યોમાં અહંબુદ્ધિ માનવાની સમાનતા થઈ; જેમ કે-હું જીવને મારું છું, પરિગ્રહધારી છું-ઇત્યાદિરૂપ માન્યતા પહેલાં હતી, તે જ પ્રમાણે હું જીવોની રક્ષા કરું છું, હું પરિગ્રહરહિત નગ્ન છું-એવી માન્યતા હવે થઈ, તે મિથ્યા છે.
(૧) અજ્ઞાન અંધકારથી આચ્છાદિત થયા થકા જેઓ આત્માને (પરનો) કર્તા માને છે તેઓ મોક્ષને ઇચ્છનારા હોય તોપણ લૌકિકજનોની માફક તેમનો પણ મોક્ષ થતો નથી; એવા જીવો ભલે મુનિ થયા હોય તોપણ તેઓ લૌકિકજન જેવા જ છે. લોક ઇશ્વરને કર્તા માને છે અને તે મુનિઓએ આત્માને પરદ્રવ્યનો કર્તા (પર્યાયાશ્રિત ક્રિયાનો-શરીરનો અને તેની ક્રિયાનો કર્તા) માન્યો, એમ બન્નેની માન્યતા સમાન થઈ. તત્ત્વને જાણનાર પુરુષ ‘સઘળુંય પરદ્રવ્ય મારું નથી’ એમ જાણીને, લોક અને શ્રમણ (દ્રવ્યલિંગી મુનિ) એ બન્નેને જે આ પરદ્રવ્યમાં કર્તૃત્વનો વ્યવસાય છે તે તેમના સમ્યગ્દર્શનરહિતપણાને લીધે જ છે એમ સુનિશ્ચિતપણે જાણે છે. જે પરદ્રવ્યનું કર્તાપણું માને છે તે, લૌકિકજન હો કે મુનિજન હો, -મિથ્યાદ્રષ્ટિ જ છે.
(ર) પ્રશ્નઃ– સમ્યગ્દ્રષ્ટિ પણ પરદ્રવ્યોને બૂરાં જાણીને ત્યાગ કરે છે? ઉત્તરઃ– સમ્યગ્દ્રષ્ટિ પરદ્રવ્યોને બૂરાં જાણતાં નથી; પરદ્રવ્યનું ગ્રહણ-ત્યાગ થઈ શકતું નથી એમ તે જાણે છે. પોતાના રાગભાવને તે બૂરો જાણે છે તેથી સરાગભાવને છોડે છે અને તેના નિમિત્તરૂપ પરદ્રવ્યોનો પણ સહજ ત્યાગ થાય છે. વસ્તુ વિચારતાં કોઈ પરદ્રવ્ય તો ભલાં-બૂરાં છે જ નહિ. મિથ્યાત્વભાવ સૌથી બૂરો છે તે મિથ્યાભાવ તો સમ્યગ્દ્રષ્ટિએ પ્રથમ છોડયો જ હોય છે.
(૩) પ્રશ્નઃ– વ્રત હોય તેને જ વ્રતી કહેવા જોઈએ, તેને બદલે ‘નિઃશલ્ય હોય તે વ્રતી થાય’ એમ શા માટે કહો છો?
ઉત્તરઃ– શલ્યનો અભાવ થયા વિના, હિંસાદિક પાપભાવોના ટળવા માત્રથી કોઈ જીવ વ્રતી થઈ શકે નહિ. શલ્યનો અભાવ થતાં વ્રતના સંબંધથી વ્રતીપણું આવે છે તેથી સૂત્રમાં ‘निःशल्यो’ શબ્દ વાપર્યો છે. ।। ૧૮।।