૪૭૪ ] [ મોક્ષશાસ્ત્ર
અનર્થદંડવ્રત નામે આઠમા વ્રતમાં દુઃશ્રુતિનો ત્યાગ કહ્યો છે, તે સૂચવે છે કે- જીવોએ દુઃશ્રુતિરૂપ શાસ્ત્ર ક્યા છે અને સુશ્રુતિરૂપ શાસ્ત્રો ક્યા છે તેનો વિવેક કરવો જોઈએ. જે જીવને ધર્મના નિમિત્ત તરીકે દુશ્રુતિ હોય તેને સમ્યગ્દર્શન પ્રગટે જ નહિ; અને ધર્મના નિમિત્ત તરીકે જેને સુશ્રુતિ (સત્શાસ્ત્રો) હોય તેણે પણ તેનો મર્મ જાણવો જોઈએ; જો તેનો મર્મ સમજે તો જ સમ્યગ્દર્શન પ્રગટ કરી શકે, અને જો સમ્યગ્દર્શન પ્રગટ કરે તો જ અણુવ્રતધારી શ્રાવક કે મહાવ્રતધારી મુનિ થઈ શકે. જે સુશાસ્ત્રનો મર્મ જાણે તે જ જીવ, આ અધ્યાયના પાંચમા સૂત્રમાં સત્યવ્રત સંબંધી કહેલી અનુવિચી ભાષણ એટલે કે શાસ્ત્રની આજ્ઞાનુસાર નિર્દોષ વચન બોલવાની ભાવના કરી શકે. સુશાસ્ત્ર અને કુશાસ્ત્રનો વિવેક કરી શકવા માટે દરેક મનુષ્ય લાયક છે; માટે મુમુક્ષુ જીવોએ તે વિવેક બરાબર કરવો જોઈએ. જો સત્-અસત્નો વિવેક જીવ નહિ સમજે તો સાચો વ્રતધારી થઈ શકે નહિ. ।। ૨૧।।
અર્થઃ– વ્રતધારી શ્રાવક [मारणांतिकीं] મરણ વખતે થનારી [सल्लेखनां] સલ્લેખનાનું [जोषिता] પ્રીતિપૂર્વક સેવન કરે છે.
૧. આ લોક કે પરલોક સંબંધી કાંઈપણ પ્રયોજનની અપેક્ષા કર્યા વગર શરીર અને કષાયને કૃશ કરવાં (-સમ્યક્ પ્રકારે પાતળાં પાડવા) તે સલ્લેખના છે.
૨. પ્રશ્નઃ– શરીર તો પર વસ્તુ છે, જીવ તેને કૃશ કરી શકે નહિ, છતાં અહીં શરીરને કૃશ કરવાનું કેમ કહ્યું?
ઉત્તરઃ– કષાયને કૃશ કરતાં શરીર તેના પોતાના કારણે ઘણે ભાગે કૃશ થાય છે એવો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ બતાવવા માટે ઉપચારથી તેમ કહ્યું છે. વાત-પીત્ત- કફ વગેરેના પ્રકોપથી મરણ અવસરે પરિણામમાં આકુળતા આવવા ન દેવી અને આરાધનાથી ચલાયમાન ન થવું તે જ ખરી કાય સલ્લેખના છે; મોહ-રાગ-દ્વેષાદિથી પોતાના સમ્યગ્દર્શન-જ્ઞાન પરિણામ મરણ અવસરે મલિન ન થવા દેવા તે કષાય સલ્લેખના છે.
૩. પ્રશ્નઃ– સમાધિપૂર્વક દેહનો ત્યાગ થયો માટે તેમાં આત્મઘાત છે કે નહિ?