૪૯૦ ] [ મોક્ષશાસ્ત્ર
ઉત્તરઃ– (૧) વ્રત તે શુભભાવ છે; શુભભાવનો ત્યાગ બે પ્રકારે થાય કે-એક તો શુભને છોડીને અશુભમાં જવું તે; આ પ્રકારનો ત્યાગ તો જીવ અનાદિથી કરતો આવ્યો છે, પણ આ ત્યાગ તે ધર્મ નથી પણ પાપ છે. બીજો પ્રકાર એ છે કે- સમ્યક્ભાનપૂર્વક શુદ્ધતા પ્રગટ કરતાં શુભનો ત્યાગ થાય છે; આ ત્યાગ તે ધર્મ છે. તેથી સમ્યગ્દ્રષ્ટિ જીવો વ્રતરૂપ શુભભાવનો ત્યાગ કરીને જ્ઞાનમાં સ્થિરતા કરે છે, એ સ્થિરતા તે જ ચારિત્રધર્મ છે. આ રીતે, જેટલે અંશે વીતરાગચારિત્ર વધે તેટલે અંશે વ્રતનો ત્યાગ થાય છે.
(ર) એ ધ્યાનમાં રાખવું કે-વ્રતમાં શુભ-અશુભ બન્નેનો ત્યાગ નથી, પરંતુ વ્રતમાં અશુભભાવનો ત્યાગ અને શુભભાવનું ગ્રહણ છે એટલે કે વ્રત તે રાગ છે; અને અવ્રત તેમજ વ્રત (અશુભ તેમજ શુભ) બન્નેનો ત્યાગ તે વીતરાગતા છે. શુભ-અશુભ બન્નેનો ત્યાગ તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રપૂર્વક જ હોઈ શકે.
(૩) ‘ત્યાગ’ તો નાસ્તિવાચક છે; યથાર્થ નાસ્તિ ત્યારે કહેવાય કે જો તે અસ્તિ સહિત હોય. હવે જો વ્રતને ત્યાગ કહીએ તો તે ત્યાગરૂપ નાસ્તિ થતાં આત્મામાં અસ્તિરૂપે શું થયું? વીતરાગતા તો સમ્યક્ચારિત્ર વડે પ્રગટે છે અને વ્રત તો આસ્રવ છે-એમ આ અધિકારમાં જણાવ્યું છે, તેથી વ્રત તે ખરો ત્યાગ નથી, પણ જેટલા અંશે વીતરાગતા પ્રગટી તેટલો ખરો ત્યાગ છે. કેમ કે જ્યાં જેટલે અંશે વીતરાગતા હોય ત્યાં તેટલા અંશે સમ્યક્ચારિત્ર પ્રગટયું હોય છે, અને તેમાં શુભ- અશુભ બન્નેનો (અર્થાત્ વ્રત-અવ્રત બન્નેનો) ત્યાગ હોય છે.