૪૯૨ ] [ મોક્ષશાસ્ત્ર માને છે. તે જીવોની આ માન્યતા સંપૂર્ણપણે જુઠ્ઠી છે એમ આ સૂત્રમાં ‘મિથ્યાદર્શન’ પહેલું જણાવીને સૂચવ્યું છે.
ર. આ સૂત્રમાં બંધના કારણોનાં નામ જે ક્રમથી આપ્યા છે તે જ ક્રમથી તે ટળે છે, પરંતુ પહેલું કારણ વિદ્યમાન હોય અને ત્યારપછીનું કારણ ટળી જાય એ રીતે ક્રમભંગ થતો નથી. તેમના ટળવાનો ક્રમ આ પ્રમાણે છે- (૧) મિથ્યાદર્શન ચોથા ગુણસ્થાને ટળે છે. (ર) અવિરતિ પાંચમા-છઠ્ઠા ગુણસ્થાને ટળે છે. (૩) પ્રમાદ સાતમા ગુણસ્થાને ટળે છે. (૪) કષાય બારમા ગુણસ્થાને ટળે છે. અને (પ) યોગ ચૌદમા ગુણસ્થાને ટળે છે. વસ્તુસ્થિતિનો આ નિયમ નહિ સમજવાથી અજ્ઞાનીઓ પ્રથમ બાળવ્રત અંગીકાર કરે છે અને તેને ધર્મ માને છે; એ રીતે અધર્મને ધર્મ માનવાના કારણે તેઓને મિથ્યાદર્શન અને અનંતાનુબંધી કષાયનું પોષણ થાય છે. માટે જિજ્ઞાસુઓએ વસ્તુસ્થિતિનો આ નિયમ સમજવાની ખાસ જરૂર છે. આ નિયમ સમજીને ખોટા ઉપાયો છોડી પ્રથમ મિથ્યાદર્શન ટાળવા માટે સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો પુરુષાર્થ કરવો યોગ્ય છે.
૩. મિથ્યાત્વાદિ કે જેઓ બંધના કારણો છે તેઓ જીવ અને અજીવ એમ બે પ્રકારના છે. જે મિથ્યાત્વાદિ પરિણામો જીવમાં થાય છે તેઓ જીવ છે, તેને ભાવબંધ કહેવાય છે; અને જે મિથ્યાત્વાદિ પરિણામો પુદ્ગલમાં થાય છે તેઓ અજીવ છે, તેને દ્રવ્યબંધ કહેવામાં આવે છે. (જુઓ, શ્રી સમયસાર ગાથા ૮૭-૮૮)
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગના ભેદોને જીવ બાહ્યરૂપથી જાણે પણ અંતરંગમાં એ ભાવોની જાતને ઓળખે નહિ તો મિથ્યાત્વ ટળે નહિ. અન્ય કુદેવાદિના સેવનરૂપ ગૃહીતમિથ્યાત્વને તો મિથ્યાત્વ તરીકે જાણે પણ અનાદિ અગૃહીતમિથ્યાત્વ છે તેને ન ઓળખે, તેમજ બાહ્ય ત્રસ-સ્થાવરની હિંસાને તથા ઇંદ્રિય-મનના વિષયોમાં પ્રવૃત્તિ થાય તેને અવિરતિ જાણે પણ હિંસામાં પ્રમાદ પરિણતિ તે મૂળ છે તથા વિષયસેવનમાં અભિલાષા મૂળ છે તેને અવલોકે નહિ, તો ખોટી માન્યતા ટળે નહિ. બાહ્ય ક્રોધ કરવો તેને કષાય જાણે પણ અભિપ્રાયમાં જે રાગ-દ્વેષ રહે છે તે જ મૂળ ક્રોધ છે; જો તેને ન ઓળખે તો મિથ્યા માન્યતા ટળે નહિ. બાહ્ય ચેષ્ટા થાય તેને યોગ જાણે પણ શક્તિભૂત (-આત્મપ્રદેશોના પરિસ્પંદનરૂપ) યોગને ન જાણે તો મિથ્યા માન્યતા ટળે નહિ માટે તેમના અંતરંગ ભાવને ઓળખીને તે સંબંધી અન્યથા માન્યતા ટાળવી જોઈએ.