Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 496 of 655
PDF/HTML Page 551 of 710

 

૪૯૬ ] [ મોક્ષશાસ્ત્ર

૬. મિથ્યાદર્શનના બે પ્રકાર

(૧) મિથ્યાત્વના બે પ્રકાર છે-અગૃહીતમિથ્યાત્વ અને ગૃહીતમિથ્યાત્વ. અગૃહીતમિથ્યાત્વ અનાદિથી ચાલ્યું આવે છે. જીવ પરદ્રવ્યનું કાંઈ કરી શકે કે શુભ વિકલ્પથી આત્માને લાભ થાય એવી માન્યતા તે અનાદિનું અગૃહીતમિથ્યાત્વ છે. જન્મ થયા પછી પરોપદેશના નિમિત્તથી જે અતત્ત્વશ્રદ્ધા જીવ ગ્રહણ કરે છે તે ગૃહીતમિથ્યાત્વ કહેવાય છે. અગૃહીતમિથ્યાત્વને નિસર્ગજ મિથ્યાત્વ અને ગૃહીતમિથ્યાત્વને બાહ્ય પ્રાપ્ત મિથ્યાત્વ પણ કહેવામાં આવે છે. જેને ગૃહીતમિથ્યાત્વ હોય તેને તો અગૃહીતમિથ્યાત્વ હોય જ.

અગૃહીતમિથ્યાત્વ– શુભવિકલ્પથી આત્માને લાભ થાય એવી અનાદિથી ચાલી આવતી જીવની માન્યતા તે મિથ્યાત્વ છે; તે કોઈના શીખવવાથી થયું નથી માટે અગૃહીત છે.

ગૃહીતમિથ્યાત્વ–ખોટા દેવ, ખોટા ગુરુ અને ખોટાં શાસ્ત્રોની શ્રદ્ધા તે ગૃહીતમિથ્યાત્વ છે.

(ર) પ્રશ્નઃ– જીવ જે કુળમાં જન્મ્યો હોય તે કુળમાં માનવામાં આવતાં દેવ, ગુરુ, શાસ્ત્ર સાચાં હોય અને જીવ તેને ઓઘદ્રષ્ટિએ સાચાં માનતો હોય તો તેને ગૃહીતમિથ્યાત્વ ટળ્‌યું છે કે નહિ?

ઉત્તરઃ– ના, તેને પણ ગૃહીતમિથ્યાત્વ છે, કેમ કે સાચા દેવ, સાચા ગુરુ અને સાચાં શાસ્ત્રોનું સ્વરૂપ શું છે તથા કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રમાં શું દોષો હોય તેનો સૂક્ષ્મદ્રષ્ટિથી વિચાર કરીને બધા પડખેથી તેના ગુણ (merits) અને દોષ (demerits) નો યથાર્થ નિર્ણય ન કર્યો હોય ત્યાં સુધી જીવને ગૃહીતમિથ્યાત્વ છે અને તે સર્વજ્ઞ વીતરાગદેવનો ખરો અનુયાયી નથી.

(૩) પ્રશ્નઃ– આ જીવે પૂર્વે કોઈ વાર ગૃહીતમિથ્યાત્વ છોડયું હશે કે નહિ? ઉત્તરઃ– હા; જીવે પૂર્વે અનંતવાર ગૃહીતમિથ્યાત્વ છોડયું અને દ્રવ્યલિંગી મુનિ થઈ નિરતિચાર મહાવ્રત પાળ્‌યાં; પરતું અગૃહીતમિથ્યાત્વ છોડયું નહિ તેથી સંસાર ઉભો રહ્યો; ફરી પાછું ગૃહીતમિથ્યાત્વ અંગીકાર કર્યું. નિર્ગ્રંથદશાપૂર્વક પંચ મહાવ્રત તથા અઠ્ઠાવીશ મૂળગુણાદિના શુભવિકલ્પ તે દ્રવ્યલિંગ છે; ગૃહીતમિથ્યાત્વ છોડયા વગર જીવ દ્રવ્યલિંગી થઈ શકે નહિ અને દ્રવ્યલિંગ વગર નિરતિચાર મહાવ્રત હોઈ શકે નહિ. દ્રવ્યલિંગીના નિરતિચાર મહાવ્રતને પણ વીતરાગ ભગવાને બાળવ્રત અને અસંયમ કહ્યાં છે, કેમ કે તેણે અગૃહીતમિથ્યાત્વ છોડયું નથી.