૪૯૮ ] [ મોક્ષશાસ્ત્ર દુઃખ, જીવન-મરણ, લાભ-અલાભ, જ્ઞાનીપણું, પાપીપણું, ધર્મીપણું, સ્વર્ગગમન, નરકગમન ઇત્યાદિ બધું ઇશ્વર કરે છે; સંસારના કર્તા ઈશ્વર છે, હર્તા પણ ઈશ્વર છે, ઈશ્વરથી જ સંસારની ઉત્પત્તિ અને પ્રલય છે, -ઇત્યાદિ પ્રકારે ઈશ્વરકર્તૃત્વની કલ્પના કરે છે તે મિથ્યા છે. ઈશ્વરપણું તો આત્માની સંપૂર્ણ શુદ્ધ (સિદ્ધ) અવસ્થા છે. આત્મા નિજસ્વભાવે જ્ઞાની છે પણ પોતાના સ્વરૂપની અનાદિથી ખોટી માન્યતાના કારણે પર્યાયમાં અજ્ઞાનીપણું; દુઃખ, જીવન, મરણ, લાભ, અલાભ, પાપીપણું વગેરે પોતે પ્રાપ્ત કરે છે, અને જ્યારે પોતે પોતાના સ્વરૂપની ખોટી માન્યતા ટાળે ત્યારે પોતે જ જ્ઞાની, ધર્મી થાય છે; ઈશ્વર (સિદ્ધ) તો તેના જ્ઞાતા-દ્રષ્ટા છે.
(ર) વિપરીત મિથ્યાત્વ –૧ સ્ત્રીના રાગી, રોટલા ખાનાર, પાણી પીનાર, માંદા થનાર, મંદવાડ થતાં દવા લેનાર ઇત્યાદિ દોષ સહિત જીવને પરમાત્મા કે કેવળજ્ઞાની માનવા, ર-સતિ સ્ત્રીને પાંચ ભરથારવાળી માનવી, ૩-ગૃહસ્થદશામાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ માનવી, ૪-કેવળજ્ઞાની ભગવાન છદ્મસ્થ જીવની વૈયાવચ્ચ કરે એમ માનવું, પ-છઠ્ઠા ગુણસ્થાન પછી પણ વંધવંદકભાવ હોય અને કેવળી ભગવાનને છદ્મસ્થગુરુ પ્રત્યે, ચતુર્વિધસંઘ અર્થાત્ તીર્થ પ્રત્યે કે બીજા કેવળી પ્રત્યે વંધવંદકભાવ હોય એમ માનવું, ૬- વસ્ત્રોને પરિગ્રહ તરીકે ન ગણવા અર્થાત્ વસ્ત્ર સહિત હોવા છતાં અપરિગ્રહપણું માનવું, ૭- વસ્ત્ર વડે આત્માનું સાધન વધારે થઈ શકે એવી બધી માન્યતાઓ તે વિપરીત મિથ્યાત્વ છે.
૮-સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પહેલાં અને પછી છઠ્ઠા ગુણસ્થાન સુધી જે શુભભાવો થાય છે તે શુભભાવમાં જુદે જુદે વખતે જુદી જુદી વ્યક્તિઓને જુદા જુદા પદાર્થો નિમિત્ત હોય છે, કેમ કે શુભભાવ તે વિકાર છે અને વિકારને પરાવલંબન હોય છે. કેટલાક જીવોને શુભરાગ વખતે વીતરાગદેવની તદાકાર પ્રતિમાના દર્શન- પૂજનાદિ નિમિત્તરૂપે હોય છે. વીતરાગી પ્રતિમાના દર્શન-પૂજન તે પણ રાગ છે, પરંતુ કોઈ પણ જીવને શુભરાગ વખતે વીતરાગી પ્રતિમાના દર્શન-પૂજનાદિનું નિમિત્ત ન જ હોય એમ માનવું તે શુભભાવના સ્વરૂપની વિપરીત માન્યતા હોવાથી વિપરીત મિથ્યાત્વ છે.
૯-વીતરાગી પ્રતિમાના દર્શન-પૂજનાદિના શુભરાગને ધર્માનુરાગ કહેવામાં આવે છે; ધર્મ તો નિરાવલંબી છે, દેવ-ગુરુ-શાસ્ત્રના અવલંબનથી છૂટીને સ્વભાવનો આશ્રય કરે ત્યારે ધર્મ પ્રગટે છે. જો તે શુભરાગને ધર્મ માને તો તે શુભભાવના સ્વરૂપની વિપરીત માન્યતા હોવાથી વિપરીત મિથ્યાત્વ છે.
છઠ્ઠા અધ્યાયના તેરમા સૂત્રની ટીકામાં અવર્ણવાદનું સ્વરૂપ વર્ણવ્યું છે તેનો સમાવેશ વિપરીત મિથ્યાત્વમાં થાય છે. (જુઓ, અ. ૬ સૂ. ૧૩ ની ટીકા)