પ૦૨ ] [ મોક્ષશાસ્ત્ર કર્મને યોગ્ય [पुद्गलान्] પુદ્ગલ પરમાણુઓનું [आदत्ते] ગ્રહણ કરે છે [सबंधः] તે બંધ છે.
૧. આખા લોકમાં કાર્મણવર્ગણારૂપ પુદ્ગલો ભર્યાં છે. જ્યારે જીવ કષાય કરે ત્યારે તે કષાયનું નિમિત્ત પામીને કાર્મણવર્ગણા પોતે કર્મરૂપે પરિણમે છે અને જીવની સાથે સંબંધ પામે છે, તેને બંધ કહેવામાં આવે છે. અહીં જીવ અને પુદ્ગલના એક ક્ષેત્રાવગાહરૂપ સંબંધને બંધ કહ્યો છે. બંધ થવાથી જીવ અને કર્મ એક વસ્તુ થઈ જતી નથી, તેમ જ તે બે ભેગાં થઈને કોઈ કાર્ય કરતાં નથી એટલે જીવ અને કર્મ એ બન્ને ભેગાં થઈને આત્મામાં વિકાર કરતાં નથી, તેમજ જીવ અને કર્મ ભેગાં થઈને પુદ્ગલ કર્મમાં વિકાર કરતા નથી. કર્મોનો ઉદય જીવમાં વિકાર કરતો નથી, જીવ કર્મોમાં વિકાર કરતો નથી, પણ બન્ને સ્વતંત્રપણે પોતપોતાના પર્યાયના કર્તા છે. જ્યારે જીવ પોતાની વિકારી અવસ્થા કરે ત્યારે જુના કર્મોના વિપાકને ‘ઉદય’ કહેવામાં આવે છે. અને જો જીવ વિકારી અવસ્થા ન કરે તો તેને મોહકર્મની નિર્જરા થઈ-એમ કહેવામાં આવે છે. પરલક્ષ વગર જીવમાં વિકાર થાય નહિ, જીવ જ્યારે પરલક્ષે પોતાની અવસ્થામાં વિકાર ભાવ કરે ત્યારે તે ભાવ અનુસાર નવાં કર્મો બંધાય છે-આટલો જીવ પુદ્ગલનો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છે. તે આ સૂત્રમાં બતાવે છે.
૨. જીવ અને પુદ્ગલનો જે નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છે તે ત્રિકાળી દ્રવ્યમાં નથી પણ માત્ર એક સમયની અવસ્થા પુરતો છે. જીવમાં કદી બે સમયનો વિકાર ભેગો થતો નથી તેથી તેનો કર્મ સાથેનો સંબંધ પણ બે સમયનો નથી.
પ્રશ્નઃ– જો તે સંબંધ એક જ સમય પુરતો છે તો જીવ સાથે લાંબી સ્થિતિવાળાં કર્મનો સંબંધ કેમ બતાવ્યો છે?
ઉત્તરઃ– ત્યાં પણ સંબંધ તો વર્તમાન એક સમય પુરતો જ છે; પરંતુ જીવ જો વિભાવ પ્રત્યેનો જ પુરુષાર્થ ચાલુ રાખશે અને જો સમ્યગ્દર્શનાદિરૂપ સત્ય પુરુષાર્થ નહિ કરે તો તેનો કર્મ સાથેનો સંબંધ ક્યાં સુધી રહેશે તે જણાવ્યું છે.
૩. આ સૂત્રમાં सकषायत्वात् શબ્દ છે તે જીવ અને કર્મ બન્નેને (અર્થાત્ કષાયરૂપ ભાવ અને કષાયરૂપ કર્મ એ બન્નેને) લાગુ પડી શકે છે; અને એ પ્રમાણે લાગુ પાડતાં તેમાંથી નીચેના નિયમો નીકળે છે.
(૧) અનાદિથી જીવ કદી પણ શુદ્ધ થયો નથી પણ કષાયસહિત જ છે અને તેથી જીવ અને કર્મનો સંબંધ અનાદિથી છે.