અ. ૯ સૂત્ર ૧] [પ૨૯ સંવર છે અને બંધ નથી, પણ જેટલે અંશે રાગ છે તેટલે અંશે બંધ છે; તથા જેટલે અંશે સમ્યક્ચારિત્ર છે તેટલે અંશે સંવર છે અને બંધ નથી, પણ જેટલે અંશે રાગ છે તેટલે અંશે બંધ છે- (જુઓ, પુરુષાર્થસિદ્ધિ-ઉપાય, ગાથા ૨૧૨ થી ર૧૪)
૬. પ્રશ્નઃ– સમ્યગ્દર્શન તે સંવર છે અને બંધનું કારણ નથી તો પછી અ. ૬. સૂ. ર૧ માં સમ્યકત્વને પણ દેવાયુકર્મના આસ્રવનું કારણ કેમ કહ્યું? તેમજ અ. ૬. સૂ. ર૪ માં દર્શનવિશુદ્ધથી તીર્થંકરનામકર્મનો આસ્રવ થાય છે એમ કેમ ક્હ્યું?
ઉત્તરઃ– તીર્થંકરનામકર્મનો બંધ ચોથા ગુણસ્થાનથી આઠમા ગુણસ્થાનના છઠ્ઠા ભાગ સુધી થાય છે; અને ત્રણે પ્રકારના સમ્યકત્વની ભૂમિકામાં તે બંધ થાય છે. ખરેખર (ભૂતાર્થનયથી) સમ્યગ્દર્શન પોતે કદી પણ બંધનું કારણ નથી, પણ તે ભૂમિકામાં રહેલા રાગથી જ બંધ થાય છે. તીર્થંકરનામકર્મના બંધનું કારણ પણ સમ્યગ્દર્શન પોતે નથી, પરંતુ સમ્યગ્દર્શનની ભૂમિકામાં રહેલો રાગ તે બંધનું કારણ છે. જ્યાં સમ્યગ્દર્શનને આસ્રવ કે બંધનું કારણ કહ્યું હોય ત્યાં માત્ર ઉપચારથી વ્યવહારથી કથન છે એમ સમજવું; તેને અભૂતાર્થનયનું કથન પણ કહેવાય છે. સમ્યગ્જ્ઞાન વડે નય વિભાગના સ્વરૂપને યથાર્થ જાણનારા જ આ કથનના આશયને અવિરુદ્ધપણે સમજે છે.
પ્રશ્નમાં જે સૂત્રનો આધાર આપવામાં આવ્યો છે તે સૂત્રોની ટીકામાં પણ ખુલાસો કર્યો છે કે સમ્યગ્દર્શન પોતે બંધનું કારણ નથી.
૭. સમ્યગ્દ્રષ્ટિ જીવો બે પ્રકારના છે-સરાગી અને વીતરાગી. તેમાંથી સરાગસમ્યગ્દ્રષ્ટિ જીવો રાગ સહિત હોવાથી રાગના કારણે તેમને કર્મપ્રકૃતિઓનો આસ્રવ થાય છે; તે જીવોને સરાગસમ્યક્ત્વ છે એમ પણ કહેવાય છે; પરંતુ ત્યાં એમ સમજવું કે જે રાગ છે તે સમ્યક્ત્વનો દોષ નથી પણ ચારિત્રનો દોષ છે. જે સમ્યગ્દ્રષ્ટિ જીવોને નિર્દોષ ચારિત્ર છે તેમને વીતરાગસમ્યક્ત્વ કહેવાય છે. ખરેખર એ બે જીવોના સમ્યગ્દર્શનમાં ભેદ નથી પણ ચારિત્રના ભેદની અપેક્ષાએ એ બે ભેદ છે. જે સમ્યગ્દ્રષ્ટિ જીવ ચારિત્રના દોષસહિત છે તેમને સરાગસમ્યક્ત્વ છે એમ કહેવાય છે અને જે જીવને નિર્દોષ ચારિત્ર છે તેમને વીતરાગસમ્યક્ત્વ છે એમ કહેવાય છે; એ રીતે ચારિત્રની સદોષતા કે નિર્દોષતાની અપેક્ષાએ તે ભેદ છે. સમ્યગ્દર્શન પોતે સંવર છે અને તે તો શુદ્ધભાવ જ છે તેથી તે આસ્રવ કે બંધનું કારણ નથી. (જુઓ, પા.) ।। ૧।।