અ. ૯ સૂત્ર ૬ ] [ પ૩૭ ગમન વગેરેમાં થતી ક્રિયા તે ઇર્યાપથ ક્રિયા છે અને તે પાંચ સમિતિરૂપ છે એમ જણાવ્યું છે અને તેને બંધના કારણોમાં ગણી છે. પરંતુ અહીં સમિતિને સંવરના કારણમાં ગણી છે તેનું કારણ એ છે કે, જેમ સમ્યગ્દ્રષ્ટિને પાંચ સમિતિ સંવરનું કારણ થાય છે તેમ તેને જેટલે અંશે રાગ છે તેટલે અંશે તે આસ્રવનું પણ કારણ થાય છે. અહીં સંવર અધિકારમાં સંવરની મુખ્યતા હોવાથી સમિતિને સંવરના કારણરૂપે વર્ણવી છે અને છઠ્ઠા અધ્યાયમાં આસ્રવની મુખ્યતા હોવાથી ત્યાં સમિતિમાં જે રાગ છે તેને આસ્રવના કારણરૂપ વર્ણવેલ છે.
૩. ઉપર પ્રમાણે સમિતિ તે મિશ્રભાવરૂપ છે; એવા ભાવ સમ્યગ્દ્રષ્ટિને હોય છે; તેમાં અંશે વીતરાગતા છે અને અંશે રાગ છે. જે અંશે વીતરાગતા છે તે અંશ વડે તો સંવર જ છે તથા જે અંશે સરાગતા છે તે અંશ વડે બંધ થાય છે. સમ્યગ્દ્રષ્ટિને આવા મિશ્રરૂપ ભાવથી તો સંવર અને બંધ એ બન્ને કાર્ય બને, પણ એકલા રાગ વડે એ બે કાર્ય બને નહિ; તેથી ‘એકલા પ્રશસ્ત રાગ’ થી પુણ્યાસ્રવ પણ માનવો અને સંવર-નિર્જરા પણ માનવા તે ભ્રમ છે. મિશ્રરૂપ ભાવમાં પણ, આ સરાગતા છે અને આ વીતરાગતા છે એવી યથાર્થ ઓળખાણ સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે; તેથી તેઓ બાકી રહેલા સરાગભાવને હેયરૂપ શ્રદ્ધે છે. મિથ્યાદ્રષ્ટિને સરાગભાવ અને વીતરાગભાવની યથાર્થ ઓળખાણ નથી, તેથી તે સરાગભાવને સંવરરૂપ માને છે અને પ્રશસ્તરાગરૂપ કાર્યોને ઉપાદેયરૂપ શ્રદ્ધે છે, તે ભ્રમ છે-અજ્ઞાન છે.
સાધુ જ્યારે ગુપ્તિરૂપ પ્રવર્તનમાં સ્થિર રહી શકતા નથી ત્યારે ઇર્યા, ભાષા, એષણા, આદાનનિક્ષેપ અને ઉત્સર્ગ એ પાંચ સમિતિમાં તેઓ પ્રવર્તે છે; ત્યારે અસંયમના નિમિત્તે બંધાતા કર્મ બંધાતા નથી તેટલો સંવર થાય છે.
આ સમિતિ મુનિ અને શ્રાવકો બન્ને યથાયોગ્ય પાળે છે. (જુઓ, પુરુષાર્થસિદ્ધિ-ઉપાય ગાથા ૨૦૩. ભાવાર્થ) પાંચ સમિતિની વ્યાખ્યા નીચે મુજબ છે- ઇર્યાસમિતિ– ચાર હાથ આગળ ભૂમિ જોઈને શુદ્ધમાર્ગમાં ચાલવું તે
ભાષાસમિતિ– હિત, મિત અને પ્રિય વચન બોલવાં તે ભાષાસમિતિ છે. એષણાસમિતિ– દિવસમાં એક જ વાર નિર્દોષ આહાર લેવો તે એષણાસમિતિ છે.