Moksha Shastra (Gujarati). Sutra: 6 (Chapter 9).

< Previous Page   Next Page >


Page 537 of 655
PDF/HTML Page 592 of 710

 

પ૩૮ ] [ મોક્ષશાસ્ત્ર

આદાનનિક્ષેપસમિતિ– સાવધાનીપૂર્વક જોઈને વસ્તુ રાખવી, મૂકવી, તથા
ઉપાડવી તે આદાનનિક્ષેપસમિતિ છે.
ઉત્સર્ગસમિતિ– જીવરહિત સ્થળમાં મળ-મૂત્રાદિનું ક્ષેપણ કરવું તે
ઉત્સર્ગસમિતિ છે.

આ વ્યવહાર-વ્યાખ્યા છે; તે માત્ર નિમિત્તનૈમિત્તિક સંબંધ બતાવે છે, પરંતુ જીવ પરદ્રવ્યનો કર્તા છે અને પરદ્રવ્યની અવસ્થા જીવનું કર્મ છે- એમ સમજવું નહિ.।। ।।

બીજા સૂત્રમાં સંવરનાં છ કારણો જણાવ્યાં છે. તેમાંથી સમિતિ અને ગુપ્તિનું વર્ણન પૂરું થયું. હવે દશ ધર્મનું વર્ણન કરે છે.

દશ ધર્મ
उत्तमक्षमामार्दवार्जवशौचसत्यसंयमतपस्त्यागाकिंचन्य–
ब्रह्मचर्याणि धर्मः।। ६।।

અર્થઃ– [उत्तम क्षमा मार्दव आर्जव शौच सत्य] ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ, ઉત્તમ આર્જવ, ઉત્તમ શૌચ, ઉત્તમ સત્ય, [संयम तपः त्याग आकिंचन्य ब्रह्मचर्याणि] ઉત્તમ સંયમ, ઉત્તમ તપ, ઉત્તમ ત્યાગ, ઉત્તમ આકિંચન્ય અને ઉત્તમ બ્રહ્મચર્ય [धर्मः] એ દશ ધર્મો છે.

ટીકા

૧. પ્રશ્નઃ– આ દશ પ્રકારનો ધર્મ શા માટે કહ્યો? ઉત્તરઃ– પ્રવૃત્તિને રોકવા માટે પ્રથમ ગુપ્તિ જણાવી; તે ગુપ્તિમાં પ્રવર્તવા જીવ જ્યારે અસમર્થ હોય ત્યારે પ્રવૃત્તિનો ઉપાય કરવા માટે સમિતિ કહી. એ સમિતિમાં પ્રવર્તનારા મુનિને પ્રમાદ દૂર કરવા માટે આ દશ પ્રકારનો ધર્મ જણાવ્યો છે.

૨. ઉત્તમઃ– આ સૂત્રમાં જણાવેલો ‘ઉત્તમ’ શબ્દ ક્ષમા વગેરે દશે બોલોને લાગુ પડે છે; તે શબ્દ ગુણવાચક છે. ઉત્તમ ક્ષમાદિ કહેવાથી અહીં રાગરૂપ ક્ષમા ન લેવી પણ સ્વરૂપના ભાનસહિત ક્રોધાદિ કષાય અભાવરૂપ ક્ષમા સમજવી. ઉત્તમક્ષમાદિ ગુણો પ્રગટતાં ક્રોધાદિ કષાયનો અભાવ થાય છે; તેથી આસ્રવની નિવૃત્તિ થાય છે, એટલે કે સંવર થાય છે.