અ. ૯ સૂત્ર ૬ ] [ પ૩૯
રાગ-દ્વેષ નહિ, પુણ્ય નહિ, કષાય નહિ, ઓછું-અધુરું કે વિકારીપણું નહિ; એવા પૂર્ણ વીતરાગ જ્ઞાયકમાત્ર એકરૂપ સ્વભાવની પ્રતીતિ, લક્ષ અને તેમાં ટકવું તે ધર્મ છે, તે વીતરાગની આજ્ઞા છે. (આત્મસિદ્ધિ-પ્રવચનો પા. ૪૮૭)
ઘણા જીવો એમ માને છે કે, બંધાદિકના ભયથી અથવા તો સ્વર્ગ-મોક્ષની ઇચ્છાથી ક્રોધાદિ ન કરવા તે ધર્મ છે. પરંતુ તેમની એ માન્યતા ખોટી છે; કેમ કે તેનો ક્રોધાદિક કરવાનો અભિપ્રાય તો ટળ્યો નથી. જેમ કોઈ મનુષ્ય રાજાદિકના ભયથી કે મહંતપણાના લોભથી પરસ્ત્રી સેવતો નથી, તો તેથી તેને ત્યાગી કહી શકાય નહિ; તે જ પ્રમાણે ઉપર્યુક્ત માન્યતાવાળા જીવો પણ ક્રોધાદિકના ત્યાગી નથી; તેમને ધર્મ થતો નથી.
પ્રશ્નઃ– તો ક્રોધાદિકનો ત્યાગ કેવી રીતે થાય? ઉત્તરઃ– પદાર્થો ઇષ્ટ-અનિષ્ટ ભાસતાં ક્રોધાદિ થાય છે. તત્ત્વજ્ઞાનના અભ્યાસથી જ્યારે કોઈ પદાર્થ ઇષ્ટ-અનિષ્ટ ન ભાસે ત્યારે સ્વયં ક્રોધાદિ ઉપજતા નથી અને ત્યારે જ સાચો ધર્મ થાય છે.
ક્ષમા-નિંદા, ગાળ, હાસ્ય, અનાદર, માર, શરીરનો ઘાત વગેરે થતાં અથવા તો તે પ્રસંગ નજીક આવતાં દેખીને ભાવોમાં મલિનતા ન થવી તે ક્ષમા છે.
(ર) માર્દવ– જાતિ વગેરે આઠ પ્રકારના મદના આવેશથી થતા અભિમાનનો અભાવ તે માર્દવ છે, અથવા તો પરદ્રવ્યનું હું કરી શકું એવી માન્યતારૂપ અહંકારભાવને જડ મૂળ્ાથી ઉખેડી નાખવો તે માર્દવ છે.
(૩) આર્જવ –માયા-કપટથી રહિતપણું, સરળતા, સીધાપણું તે આર્જવ છે. (૪) શૌચ– લોભથી ઉત્કૃષ્ટપણે ઉપરામ પામવું-નિવૃત્ત થવું તે શૌચ- પવિત્રતા છે.
(પ) સત્ય– સત્ જીવોમાં-પ્રશંસનીય જીવોમાં સાધુવચન (સરળ વચન) બોલવાનો ભાવ તે સત્ય છે.
[પ્રશ્નઃ– ઉત્તમ સત્ય અને ભાષા સમિતિમાં શું તફાવત છે?
ઉત્તરઃ– સમિતિરૂપે પ્રવર્તનાર મુનિને સાધુ અને અસાધુ પુરુષો પ્રત્યે વચન વ્યવહાર હોય છે અને તે હિત, પરિમિત વચન છે. તે મુનિને શિષ્યો તથા તેમના ભક્તો (-શ્રાવકો) માં ઉત્તમસત્ય, જ્ઞાન, ચારિત્રનાં લક્ષણાદિક શીખવા-શીખવવામાં ઘણો ભાષા વ્યવહાર કરવો પડે છે તેને ઉત્તમસત્યધર્મ કહેવાય છે.]