પ૪૦ ] [ મોક્ષશાસ્ત્ર
(૬) સંયમ–સમિતિમાં પ્રવર્તનારા મુનિને પ્રાણીઓને પીડા કરવાનો ત્યાગ છે તે સંયમ છે.
(૭) તપ– ભાવકર્મના નાશ માટે પોતાની શુદ્ધતાનું પ્રતપન તે તપ છે. (૮) ત્યાગ– સંયમી જીવોને યોગ્ય જ્ઞાનાદિક દેવાં તે ત્યાગ છે. (૯) આકિંચન્ય– વિદ્યમાન શરીરાદિમાં પણ સંસ્કારના ત્યાગ માટે, ‘આ મારું છે’ એવા અનુરાગની નિવૃત્તિ તે આકિંચન્ય છે. આત્મસ્વરૂપથી ભિન્ન એવા શરીરાદિકમાં કે રાગાદિકમાં મમત્વરૂપ પરિણામોનો અભાવ તે આકિંચન્ય છે.
(૧૦) બ્રહ્મચર્ય– સ્ત્રી માત્રનો ત્યાગ કરી. પોતાના આત્મસ્વરૂપમાં લીન રહેવું તે બ્રહ્મચર્ય છે. પૂર્વે ભોગવેલી સ્ત્રીઓના ભોગનું સ્મરણ તથા તેની કથા સાંભળવાના ત્યાગથી તથા સ્ત્રીઓ પાસે બેસવાનું છોડવાથી અને સ્વછંદ પ્રવર્તન રોકવા માટે ગુરુકુળમાં રહેવાથી બ્રહ્મચર્ય પરિપૂર્ણ પળાય છે.
આ દશે બોલમાં ‘ઉત્તમ’ શબ્દ લગાડતાં ‘ઉત્તમક્ષમા’ વગેરે દશ ધર્મ થાય છે. ઉત્તમક્ષમા વગેરે કહેતાં તે શુભરાગરૂપ ન સમજવા પણ કષાયરહિત શુદ્ધભાવરૂપ સમજવા.
ક્ષમાના નીચે મુજબ પાંચ પ્રકાર છે- (૧) જેમ નિર્બળ પોતે સબળનો વિરોધ ન કરે તેમ, ‘હું ક્ષમા કરું તો મને કોઈ હેરાન ન કરે’ એવા ભાવથી ક્ષમા રાખવી તે. આ ક્ષમામાં ‘હું ક્રોધરહિત ત્રિકાળ સ્વભાવે શુદ્ધ છું’ એવું ભાન ન આવ્યું પણ રાગભાવ આવ્યો તેથી તે ખરી ક્ષમા નથી, તે ધર્મ નથી.
(ર) ક્ષમા કરું તો બીજા તરફથી મને નુકશાન ન થાય પણ લાભ થાય- એવા ભાવથી શેઠ વગેરેનો ઠપકો સહન કરે, સામો ક્રોધ ન કરે, પણ તે ખરી ક્ષમા નથી; તે ધર્મ નથી.
(૩) હું ક્ષમા કરું તો કર્મબંધન અટકે, ક્રોધ કરવાથી નરકાદિ હલકી ગતિમાં જવું પડશે માટે ક્રોધ ન કરું-એવા ભાવે ક્ષમા કરે પણ તે સાચી ક્ષમા નથી; તે ધર્મ નથી; કેમ કે તેમાં ભય છે, નિર્ભયતા-નિસંદેહતા નથી.
(૪) ક્રોધાદિ ન કરવા એવી વીતરાગની આજ્ઞા છે તેમ શાસ્ત્રમાં કહ્યું છે, માટે મારે ક્ષમા રાખવી જોઈએ, જેથી મને પાપ નહિ થાય અને લાભ થશે એવા ભાવે