અ. ૯ સૂત્ર ૭ ] [ પ૪૩ વ્યતિરિક્ત છે, આત્મા જ્ઞાનસ્વરૂપી સદા શાશ્વત છે અને સંયોગી ભાવો અનિત્ય છે- એમ ચિંતવવું તે અનિત્યભાવના છે.
(૨) અશરણ અનુપ્રેક્ષા– જેમ નિર્જન વનમાં ભૂખ્યા સિંહે પકડેલા હરણના બચ્ચાને કોઈ શરણ નથી, તેમ સંસારમાં જીવને કોઈ શરણભૂત નથી. જો જીવ પોતે પોતાના સ્વભાવને ઓળખીને શુદ્ધભાવથી ધર્મનું સેવન કરે તો તે દુઃખથી બચી શકે છે, નહિ તો તે સમયે સમયે ભાવમરણથી દુઃખી છે-એમ ચિંતવવું તે અશરણ અનુપ્રેક્ષા છે.
આત્મામાં જ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્ર અને સમ્યક્તપ રહે છે; તેથી આત્મા જ શરણભૂત છે અને તેનાથી પર બધું અશરણ છે-એમ ચિંતવવું તે અશરણભાવના છે.
(૩) સંસાર અનુપે્રક્ષા–આ ચતુર્ગતિરૂપ સંસાર વિષે ભ્રમણ કરતાં જીવ જેનો પિતા હતો તેનો જ પુત્ર, જેનો પુત્ર હતો તેનો જ પિતા, જેનો સ્વામી હતો તેનો જ દાસ, જેનો દાસ હતો તેનો જ સ્વામી થઈ જાય છે અથવા તો પોતે પોતાનો જ પુત્ર થઈ જાય છે; ઇત્યાદિ પ્રકારે સંસારના સ્વરૂપનો અને તેના કારણરૂપ વિકારીભાવોના સ્વરૂપનો વિચાર કરવો તે સંસાર અનુપ્રેક્ષા છે.
જો કે આત્મા કર્મના નિમિત્તે થતા રાગ-દ્વેષ-અજ્ઞાનરૂપ ભાવોથી સંસારરૂપ ધોર વનમાં ભટકયા કરે છે-તોપણ નિશ્ચયનયે આત્મા વિકારીભાવોથી અને કર્મોથી રહિત છે-એમ ચિંતવવું તે સંસાર ભાવના છે.
(૪) એકત્વ અનુપ્રેક્ષા– જીવ પોતે એકલો જ છે, પોતે પોતાથી જ વિકાર કરે છે, પોતે પોતાથી જ ધર્મ કરે છે, પોતે પોતાથી જ સુખી-દુઃખી થાય છે. જીવમાં પરદ્રવ્યોનો અભાવ છે માટે કર્મ કે પરદ્રવ્યો જીવને કાંઈ લાભ-નુકશાન કરે નહિ- એવું ચિંતવન કરવું તે એકત્વ અનુપ્રેક્ષા છે.
હું એક છું, મમતારહિત છું, શુદ્ધ છું, જ્ઞાનદર્શનલક્ષણ છું, કાંઈ અન્ય પરમાણુમાત્ર પણ મારું નથી, શુદ્ધ એકત્વ જ ઉપાદેય છે-એમ ચિંતવવું તે એકત્વ ભાવના છે.
(પ) અન્યત્વ અનુપ્રેક્ષા– આત્મા અને સર્વ પદાર્થો ભિન્ન છે; તેઓ દરેક પોતપોતાનું કાર્ય કરે છે. જીવ પરપદાર્થોને કાંઈ કરી શકતો નથી અને પર પદાર્થો જીવને કાંઈ કરી શકતા નથી. જીવના વિકારી ભાવો પણ જીવના સ્વભાવથી અન્ય છે કેમ કે તેઓ જીવથી છૂટા પડી જાય છે. વિકારી ભાવ તીવ્ર હોય કે મંદ હોય તોપણ તેનાથી આત્માને લાભ થાય નહિ. પરદ્રવ્યોથી અને વિકારથી આત્માને અન્યત્વપણું છે