પ૪૪ ] [ મોક્ષશાસ્ત્ર એવા તત્ત્વજ્ઞાનની ભાવનાપૂર્વક વેરાગ્યની વૃદ્ધિ થવાથી છેવટે મોક્ષ થાય છે- આ પ્રમાણે ચિંતવન કરવું તે અન્યત્વ અનુપ્રેક્ષા છે.
આત્મા જ્ઞાનદર્શનસ્વરૂપ છે અને શરીરાદિ જે બાહ્ય દ્રવ્ય તે સર્વે આત્માથી ભિન્ન છે. પર દ્રવ્ય છેદાય કે ભેદાય, કોઈ લઈ જાય કે નષ્ટ થઈ જાય અથવા તો ગમે તેમ થાવ પણ પરદ્રવ્યનો પરિગ્રહ મારો નથી- એમ ચિંતવવું તે અન્યત્વ ભાવના છે.
(૬) અશુચિત્વ અનુપ્રેક્ષા– શરીર સ્વભાવથી જ અશુચિમય છે અને જીવ સ્વભાવથી શુચિમય (શુદ્ધસ્વરૂપી) છે; શરીર લોહી, માંસ વગેરેથી ભરેલું છે, તે કદી પવિત્ર થઈ શકતું નથી; ઇત્યાદિ પ્રકારે આત્માની શુદ્ધતાનું અને શરીરની અશુચિનું જ્ઞાન કરીને શરીર ઉપરનું મમત્વ તથા રાગ છોડવાં અને આત્માનું લક્ષ વધારવું. શરીર પ્રત્યે દ્વેષ કરવો તે અનુપ્રેક્ષા નથી પણ શરીર પ્રત્યેના રાગ-દ્વેષ મટાડવા અને આત્માના પવિત્ર સ્વભાવ તરફ લક્ષ કરવું તથા સમ્યગ્દર્શનાદિકની ભાવના વડે આત્મા અત્યંત પવિત્ર થાય છે- એવું વારંવાર ચિંતવન કરવું તે અશુચિત્વ અનુપ્રેક્ષા છે.
આત્મા દેહથી જુદો, કર્મરહિત, અનંત સુખનું પવિત્ર ધામ છે એની નિત્ય ભાવના કરવી અને વિકારી ભાવો અનિત્ય દુઃખરૂપ અશુચિમય છે એમ જાણીને તેનાથી પાછા ફરવાની ભાવના કરવી તે અશુચિ ભાવના છે.
(૭) આસ્રવ અનુપ્રેક્ષા– મિથ્યાત્વ અને રાગદ્વેષરૂપ ભાવોથી સમયે સમયે નવા વિકારી ભાવો ઉત્પન્ન થાય છે. મિથ્યાત્વ તે મુખ્ય આસ્રવ છે કેમકે તે સંસારની જડ છે; માટે તેનું સ્વરૂપ જાણીને તેને છોડવાનું ચિંતવન કરવું તે આસ્રવ અનુપ્રેક્ષા છે.
મિથ્યાત્વ, અવિરતિ આદિ આસ્રવના ભેદ કહ્યાં છે તે આસ્રવો નિશ્ચયનયે જીવને નથી. દ્રવ્ય અને ભાવ બન્ને પ્રકારના આસ્રવરહિત શુદ્ધ આત્માનું ચિંતવન કરવું તે આસ્રવ ભાવના છે.
(૮) સંવર અનુપ્રેક્ષા– મિથ્યાત્વ અને રાગદ્વેષરૂપ ભાવો અટકવા તે ભાવ સંવર છે; તેનાથી નવા કર્મનું આવવું અટકી જાય તે દ્રવ્યસંવર છે. પ્રથમ તો આત્માના શુદ્ધસ્વરૂપના લક્ષે મિથ્યાત્વ અને તેના સહગામી અનંતાનુબંધી કષાયનો સંવર થાય છે. સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવ તે સંવર છે અને તેનાથી આત્માનું કલ્યાણ થાય છે- એવું ચિંતવન કરવું તે સંવર અનુપ્રેક્ષા છે.
પરમાર્થનયે શુદ્ધભાવે આત્મામાં સંવર જ નથી; તેથી સંવરભાવ રહિત શુદ્ધ આત્માને નિત્ય ચિંતવવો તે સંવરભાવના છે.