અ. ૯ સૂત્ર ૭ ] [ પ૪પ
(૯) નિર્જરા અનુપ્રેક્ષા– અજ્ઞાનીને સવિપાક નિર્જરાથી આત્માનું કાંઇ પણ ભલું થતું નથી; પણ આત્માનું સ્વરૂપ જાણીને તેના ત્રિકાળી સ્વભાવના લક્ષે શુદ્ધતા પ્રગટ કરવાથી જે નિર્જરા થાય છે તેનાથી આત્માનું કલ્યાણ થાય છે-એ વગેરે પ્રકારે નિર્જરાના સ્વરૂપનું ચિંતવન કરવું તે નિર્જરા અનુપ્રેક્ષા છે.
સ્વકાળ પકવ નિર્જરા (સવિપાક નિર્જરા) ચારે ગતિવાળાને હોય છે પણ તપકૃત નિર્જરા (અવિપાક નિર્જરા) સમ્યગ્દર્શન પૂર્વક વ્રતધારીઓને જ હોય છે એમ ચિંતવવું તે નિર્જરા ભાવના છે.
(૧૦) લોક અનુપ્રેક્ષા– અનંત લોકાલોકોની મધ્યમાં ચૌદ રાજુ પ્રમાણ લોક છે. તેનો આકાર તથા તેની સાથે જીવનો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ વિચારવો. અને પરમાર્થદ્રષ્ટિએ આત્મા પોતે જ પોતાનો લોક છે માટે પોતે પોતામાં જ જોવું તે લાભદાયક છે; આત્માની અપેક્ષાએ પર વસ્તુ તેનો અલોક છે, માટે આત્માને તેના તરફ લક્ષ કરવાની જરૂર નથી. પોતાના આત્મસ્વરૂપ લોક (દેખવા જાણવારૂપ સ્વભાવમાં) માં સ્થિર થતાં પર વસ્તુઓ જ્ઞાનમાં સહેજે જણાય છે-આવું ચિંતવન કરવું તે લોક અનુપ્રેક્ષા છે; તેનાથી તત્ત્વજ્ઞાનની શુદ્ધિ થાય છે.
આત્મા પોતાના અશુભભાવથી નરક તથા તિર્યંચગતિ પામે છે, શુભ ભાવથી દેવ તથા મનુષ્યગતિ પામે છે. અને શુદ્ધ ભાવથી મોક્ષ પામે છે. -એમ ચિંતવવું તે લોક ભાવના છે.
(૧૧) બોધિદુર્લભ અનુપ્રેક્ષા– રત્નત્રયરૂપ બોધિ પ્રાપ્ત કરવામાં ઘણા પુરુષાર્થની જરૂર છે, માટે તે માટેનો પુરુષાર્થ વધારવો અને તેનું ચિંતવન કરવું તે બોધિદુર્લભ અનુપ્રેક્ષા છે.
નિશ્ચયનયે જ્ઞાનમાં હેય ઉપાદેયપણાનો વિકલ્પ નથી માટે મુનિઓએ સંસારથી વિરક્ત થવાનું ચિંતવન કરવું તે બોધિદુર્લભ ભાવના છે.
(૧ર) ધર્મ અનુપ્રેક્ષાઃ– સમ્યગ્ધર્મના યથાર્થ તત્ત્વોનું વારંવાર ચિંતવન કરવું; ધર્મ તે વસ્તુનો સ્વભાવ છે; આત્માનો શુદ્ધસ્વભાવ તે પોતાનો ધર્મ છે તથા આત્માના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ધર્મ અથવા દશલક્ષણરૂપ ધર્મ અથવા સ્વરૂપની હિંસા નહિ કરવારૂપ અહિંસાધર્મ આત્માને ઇષ્ટસ્થાને (સંપૂર્ણ પવિત્રદશાએ) પહોંચાડે છે; ધર્મ જ પરમ રસાયન છે. ધર્મ જ ચિંતામણીરત્ન છે, ધર્મ જ કલ્પવૃક્ષ છે, ધર્મ જ કામધેનું ગાય છે, ધર્મ જ મિત્ર છે, ધર્મ જ સ્વામી છે, ધર્મ જ બંધુ, હિતુ, રક્ષક અને સાથે રહેનારો છે. ધર્મ જ શરણ છે, ધર્મ જ ધન છે, ધર્મ જ અવિનાશી છે,