પપ૦ ] [ મોક્ષશાસ્ત્ર છે. જો ઠીક-અઠીકનો વિકલ્પ ઊઠે તો પરિષહ સહન કર્યા કહેવાય નહિ, પણ રાગ - દ્વેષ કર્યો કહેવાય; રાગદ્વેષથી કદી સંવર થાય જ નહિ પણ બંધ જ થાય. માટે જેટલે અંશે વીતરાગતા છે તેટલે અંશે પરિષહજય છે એમ સમજવું અને આ પરિષહજય સુખશાંતિ રૂપ છે. લોકો પરિષહજયને દુઃખ કહે છે તે મિથ્યા છે. વળી પાર્શ્વનાથ ભગવાને અને મહાવીર ભગવાને પરિષહના ઘણા દુઃખ ભોગવ્યાં-એમ અજ્ઞાનીઓ માને છે; પરંતુ ભગવાન તો પોતાના શુદ્ધોપયોગ વડે આત્માનુભવમાં સ્થિર હતા અને પોતાના આત્માનુભવના શાંતરસમાં ઝૂલતા હતા-લીન હતા, તેનું જ નામ પરિષહજય છે. જો તે પ્રસંગે ભગવાનને દુઃખ થયું હોત તો તે દ્વેષ છે અને દ્વેષથી બંધ થાત, પણ સંવર-નિર્જરા થાત નહિ. લોકો જેને પ્રતિકૂળ ગણે છે એવા સંયોગોમાં પણ ભગવાન પોતાના સ્વરૂપમાંથી ચ્યુત થયા ન હતા તેથી તેમને દુઃખ ન હતું પણ સુખ હતું અને તેનાથી તેમને સંવર-નિર્જરા થયા હતા. એ ધ્યાન રાખવું કે ખરેખર કોઈ પણ સંયોગો અનુકૂળ કે પ્રતિકૂળરૂપ નથી, પણ જીવ પોતે જે પ્રકારના ભાવ કરે છે તેવો તેમાં આરોપ કરવામાં આવે છે અને તેથી લોકો તેને અનુકૂળ સંયોગ કે પ્રતિકૂળસંયોગ કહે છે.
(૧) ક્ષુધા– ક્ષુધાપરિષહ સહન કરવા યોગ્ય છે; સાધુનું ભોજન તો ગૃહસ્થો ઉપર જ નિર્ભર છે, ભોજન માટે કોઈ વસ્તુ તેમની પાસે હોતી નથી, તેઓ કોઈ પાત્રમાં ભોજન કરતા નથી પણ પોતાના હાથમાં જ ભોજન કરે છે; તેમને શરીર ઉપર વસ્ત્રાદિક પણ હોતાં નથી, એક શરીર માત્ર ઉપકરણ છે. વળી અનશન, અવમૌદર્ય, વૃત્તિપરિસંખ્યાન વગેરે તપ કરતાં બે દિવસ, ચાર દિવસ, આઠ દિવસ, પક્ષ, માસ વગેરે વ્યતીત થઈ જાય છે; અને શુદ્ધ નિર્દોષ આહાર અંતરાય રહિત, યોગ્ય કાળમાં, યોગ્ય ક્ષેત્રમાં ન મળે તો તેઓ ભિક્ષા ગ્રહણ કરતા નથી અને ચિત્તમાં કાંઈ પણ વિષાદ કે ખેદ કરતા નથી પણ ધૈર્ય ધારણ કરે છે. આ રીતે ક્ષુધારૂપી અગ્નિ પ્રજ્વલિત થવા છતાં પણ ધૈર્યરૂપી જળથી તેને શાંત કરી દે છે અને રાગ-દ્વેષ કરતા નથી એવા મુનિઓને ક્ષુધાપરિષહનું સહન કરવું હોય છે.
અસાતાવેદનીયકર્મની ઉદીરણા હોય ત્યારે જ ક્ષુધા ઉપજે છે અને તે વેદનીયકર્મની ઉદીરણા છઠ્ઠા ગુણસ્થાન સુધી જ હોય છે, તેના ઉપરના ગુણસ્થાનોએ હોતી નથી. છઠ્ઠા ગુણસ્થાનમાં વર્તતા મુનિને ક્ષુધા ઉપજવા છતાં તેઓ આકુળતા કરતા નથી અને આહાર લેતા નથી પણ ધૈર્યરૂપી જળથી તે ક્ષુધાને શાંત કરે છે ત્યારે તેમણે પરિષહજય કર્યો કહેવાય છે. છઠ્ઠા ગુણસ્થાને વર્તતા મુનિને પણ એટલો પુરુષાર્થ હોય છે કે જો