Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 565 of 655
PDF/HTML Page 620 of 710

 

પ૬૬] [ મોક્ષશાસ્ત્ર

ટીકા
૧. સૂત્રમાં કહેલા શબ્દોની વ્યાખ્યા
(૧) સામાયિક– સમસ્ત સાવદ્યયોગનો ત્યાગ કરીને શુદ્ધાત્મસ્વરૂપમાં અભેદ
થતાં શુભાશુભ ભાવોનો ત્યાગ થવો તે સામાયિક ચારિત્ર છે. આ
ચારિત્ર છઠ્ઠાથી નવમાં ગુણસ્થાન સુધી હોય છે.
(૨) છેદોપસ્થાપના– કોઈ જીવ સામાયિક ચારિત્રરૂપ થયો હોય અને તેમાંથી
ખસીને સાવદ્ય વ્યાપારરૂપ થઈ જાય, પછી પ્રાયશ્ચિત્તદ્વારા તે સાવદ્ય
વ્યાપારથી ઉપજેલા દોષોને છેદીને આત્માને સંયમમાં સ્થિર કરે તે
છેદોપસ્થાપના ચારિત્ર છે. વ્રત, સમિતિ, ગુપ્તિ આદિ ભેદરૂપ
ચારિત્ર તે પણ છેદોપસ્થાપના ચારિત્ર છે. આ ચારિત્ર છઠ્ઠાથી
નવમા ગુણસ્થાન સુધી હોય છે.
(૩) પરિહારવિશુદ્ધિ– જે જીવ જન્મથી ત્રીસ વર્ષ સુધી સુખી રહીને પછી
દીક્ષા ગ્રહણ કરે અને શ્રી તીર્થંકરભગવાનના પાદમૂળમાં આઠ વર્ષ
સુધી પ્રત્યાખ્યાન નામના નવમા પૂર્વનું અધ્યયન કરે, તેને આ સંયમ
હોય છે. જીવોની ઉત્પત્તિ-મરણનાં સ્થાન, કાળની મર્યાદા, જન્મ
યોનિના ભેદ દ્રવ્ય-ક્ષેત્રના સ્વભાવ, વિધાન તથા વિધિ-એ બધાનાં
જાણનારો હોય અને પ્રમાદરહિત મહાવીર્યવાન હોય, તેમને શુદ્ધતાના
બળથી કર્મની પ્રચૂર નિર્જરા થાય છે. અતિ કઠિન આચરણ
કરવાવાળા મુનિઓને આ સંયમ હોય છે. જેમને આ સંયમ હોય છે
તેમના શરીરથી જીવોની વિરાધના થતી નથી. આ ચારિત્ર ઉપર
કહ્યા તેવા સાઘુને છઠ્ઠા અને સાતમા ગુણસ્થાને હોય છે.
(૪) સૂક્ષ્મસાંપરાય–જ્યારે અતિ સૂક્ષ્મ લોભ કષાયનો ઉદય હોય ત્યારે જે
ચારિત્ર હોય છે તે સૂક્ષ્મસાંપરાય છે. આ ચારિત્ર દસમા ગુણસ્થાને
હોય છે.
(પ) યથાખ્યાત– તમામ મોહનીય કર્મના ક્ષય અથવા ઉપશમથી આત્માના
શુદ્ધસ્વરૂપમાં સ્થિત થવું તે યથાખ્યાત્ ચારિત્ર છે આ ચારિત્ર ૧૧
થી ૧૪ મા ગુણસ્થાન સુધી હોય છે.

૨. સંવર શુદ્ધભાવથી થાય પણ શુભભાવથી ન થાય, માટે આ પાંચે પ્રકારમાં જેટલો શુદ્ધભાવ છે તેટલું ચારિત્ર છે એમ સમજવું.