Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 566 of 655
PDF/HTML Page 621 of 710

 

અ. ૯ સૂત્ર ૧૮ ] [ પ૬૭

૩. છઠ્ઠા ગુણસ્થાનની દશા

સાતમા ગુણસ્થાનથી તો નિર્વિકલ્પદશા હોય છે. છઠ્ઠા ગુણસ્થાને મુનિને આહાર વિહારાદિનો વિકલ્પ હોય છે ત્યારે પણ તેમને ત્રણ કષાય નહિ હોવાથી સંવર-નિર્જરા થાય છે અને શુભભાવનો અલ્પ બંધ થાય છે; જે વિકલ્પ ઉઠે છે તે વિકલ્પના સ્વામીત્વનો તેમને નકાર વર્તે છે અને અકષાયદ્રષ્ટિએ જેટલે દરજ્જે રાગ ટળે છે તેટલે દરજ્જે સંવરનિર્જરા છે, તથા જેટલો શુભભાવ થાય છે તેટલું બંધન છે. (જુઓ, મોક્ષમાર્ગ-પ્રકાશક પા. ર૩પ)

૪. ચારિત્રનું સ્વરૂપ

કેટલાક જીવો માત્ર હિંસાદિક પાપના ત્યાગને ચારિત્ર માને છે અને મહાવ્રતાદિરૂપ શુભોપયોગને ઉપાદેયપણાથી ગ્રહણ કરે છે. પણ તે યથાર્થ નથી. આ શાસ્ત્રના સાતમા અધ્યાયમાં આસ્રવ પદાર્થનું નિરૂપણ કરવામાં આવ્યું છે, ત્યાં મહાવ્રત અને અણુવ્રતને આસ્રવરૂપ માન્યાં છે, તો તે ઉપાદેય કેવી રીતે હોય? આસ્રવ તો બંધનું કારણ છે અને ચારિત્ર તો મોક્ષનું કારણ છે, માટે તે મહાવ્રતાદિરૂપ આસ્રવભાવોને ચારિત્રપણું સંભવતું નથી; પણ જે સર્વ કષાયરહિત ઉદાસીન ભાવ છે તેનું જ નામ ચારિત્ર છે. સમ્યગ્દર્શન થયા પછી જીવના કંઈક ભાવ વીતરાગ થયા હોય છે અને કંઈક ભાવ સરાગ હોય છે; તેમાં જે અંશ વીતરાગરૂપ છે તે જ ચારિત્ર છે અને તે સંવરનું કારણ છે.

(જુઓ, મોક્ષમાર્ગ - પ્રકાશક પા. ૨૩૧-૨૩૩)
પ. ચારિત્રમાં ભેદો શા માટે બતાવ્યા?

પ્રશ્નઃ– વીતરાગભાવ તે ચારિત્ર છે અને વીતરાગભાવ તો એક જ પ્રકારનો છે, તો પછી ચારિત્રના ભેદો શા માટે કહ્યા?

ઉત્તરઃ– વીતરાગભાવ એક પ્રકારનો છે પરંતુ તે એક સાથે આખો પ્રગટતો નથી પણ ક્રમે ક્રમે પ્રગટે છે તેથી તેમાં ભેદ પડે છે. જેટલે અંશે વીતરાગભાવ પ્રગટે છે તેટલે અંશે ચારિત્ર પ્રગટે છે, માટે ચારિત્રના ભેદો કહ્યા છે.

પ્રશ્નઃ– જો એમ છે તો છઠ્ઠા ગુણસ્થાને જે શુભભાવ છે તેને પણ ચારિત્ર કેમ કહો છો?

ઉત્તરઃ– ત્યાં શુભભાવને ખરું ચારિત્ર કહેવામાં આવતું નથી પણ તે શુભભાવ વખતે જે અંશે વીતરાગભાવ છે, તેને ખરું ચારિત્ર કહેવામાં આવે છે.

પ્રશ્નઃ– શુભભાવરૂપ સમિતિ, ગુપ્તિ, મહાવ્રતાદિને પણ કેટલેક ઠેકાણે ચારિત્ર કહે છે, તેનું શું કારણ?