પ૬૮ ] [ મોક્ષશાસ્ત્ર
ઉત્તરઃ– ત્યાં તેને વ્યવહાર ચારિત્ર કહ્યું છે. વ્યવહાર એટલે ઉપચાર; છઠ્ઠા ગુણસ્થાને જે વીતરાગચારિત્ર હોય છે તેની સાથે મહાવ્રતાદિ હોય છે, એવો સંબંધ જાણીને એ ઉપચાર કર્યો છે. એટલે કે તે નિમિત્ત અપેક્ષાએ અર્થાત્ વિકલ્પના ભેદો બતાવવા માટે કહ્યું છે, પણ ખરી રીતે તો નિષ્કષાયભાવ તે જ ચારિત્ર છે, શુભરાગ તે ચારિત્ર નથી.
પ્રશ્નઃ– નિશ્ચયમોક્ષમાર્ગ તો નિર્વિકલ્પ છે, તે વખતે સવિકલ્પ (-સરાગ, વ્યવહાર) મોક્ષમાર્ગ નથી હોતો, તો પછી તે સવિકલ્પ મોક્ષમાર્ગને સાધક કેમ કહી શકાય?
ઉત્તરઃ– ભુતનૈગમનયની અપેક્ષાએ તે સવિકલ્પપણાને મોક્ષમાર્ગ કહ્યો છે, એટલે કે ભૂતકાળમાં તે વિકલ્પો (રાગમિશ્રિત વિચારો) થયા હતા, તે વર્તમાનમાં નથી, છતાં પણ ‘તે વર્તમાન છે’ એમ ભુતનૈગમનયની અપેક્ષાએ ગણી શકાય છે, તેથી તે નયની અપેક્ષાએ સવિકલ્પ મોક્ષમાર્ગને સાધક કહ્યો છે એમ સમજવું. (જુઓ, પરમાત્મપ્રકાશ પા. ૧૪૨ અ. ૨ ગાથા-૧૪ સંસ્કૃત ટીકા તથા આ ગ્રંથમાં છેલ્લે પરિશિષ્ટ ૧ માં આપેલ ‘મોક્ષમાર્ગનું બે પ્રકારે કથન’ -એ વિષય.)
પ્રશ્નઃ– મોક્ષના કારણભૂત સામાયિકનું સ્વરૂપ શું છે? ઉત્તરઃ– જે સામાયિક સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વભાવવાળા પરમાર્થ જ્ઞાનના ભવનમાત્ર (પરિણમનમાત્ર) છે, એકાગ્રતા લક્ષણવાળી છે તે સામાયિક મોક્ષના કારણભૂત છે. (જુઓ, સમયસાર ગાથા ૧પ૪ પા. ૨૦૦)
શ્રી નિયમસાર ગાથા ૧૨પ થી ૧૩૩ માં ખરી સામાયિકનું સ્વરૂપ આપ્યું છે તે આ પ્રમાણે છે-
જે કોઈ મુનિ એકેન્દ્રિયાદિ પ્રાણીઓના સમૂહને દુઃખ દેવાના કારણરૂપ જે સંપૂર્ણ પાપભાવ સહિત વેપાર, તેનાથી અલગ થઈ મન, વચન અને કાયાના શુભ અશુભ સર્વ વ્યાપારોને ત્યાગીને ત્રણ ગુપ્તિરૂપ રહે તથા જિતેન્દ્રિય રહે છે તેવા સંયમીને ખરું સામાયિક વ્રત હોય છે. (ગાથા-૧૨પ)
જે સર્વ ત્રસ અને સ્થાવર પ્રાણીઓમાં સમતાભાવ રાખે છે, મધ્યસ્થ ભાવમાં આરૂઢ છે, તેને જ ખરી સામાયિક હોય છે (ગાથા-૧ર૬).
સંયમ પાળતાં, નિયમ કરતાં તથા તપ ધરતાં જેને એક આત્મા જ નિકટ વર્તી રહ્યો છે, તેને ખરી સામાયિક હોય છે. (ગા. ૧૨૭).
જેને રાગ-દ્વેષ વિકાર પ્રગટ નથી થતાં તેને ખરી સામાયિક હોય છે (ગાથા ૧ર૮).