૬] [મોક્ષશાસ્ત્ર ‘દર્શન’ નો એક અર્થ માન્યતા થાય છે, તેથી મિથ્યાદર્શનનો અર્થ ખોટી માન્યતા છે. પોતાના સ્વરૂપની ખોટી માન્યતા હોય ત્યાં પોતાના સ્વરૂપનું જ્ઞાન જીવને ખોટું જ હોય; તે ખોટા જ્ઞાનને ‘મિથ્યાજ્ઞાન’ કહેવામાં આવે છે. જ્યાં સ્વરૂપની ખોટી માન્યતા અને ખોટું જ્ઞાન હોય ત્યાં ચારિત્ર પણ ખોટું જ હોય; આ ખોટા ચારિત્રને ‘મિથ્યાચારિત્ર’ કહેવામાં આવે છે. અનાદિથી જીવોને ‘મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્ર’ ચાલ્યાં આવે છે તેથી જીવો અનાદિથી દુઃખ ભોગવી રહ્યા છે.
પોતાની આ દશા જીવ પોતે કરતો હોવાથી પોતે તેને ટાળી શકે. એ ટાળવાનો ઉપાય ‘સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર’ જ છે, બીજો નથી એમ અહીં કહ્યું છે. તે ઉપરથી સિદ્ધ થાય છે કે બીજા જે ઉપાયો જીવ સતત્ કર્યા કરે છે તે બધા ખોટા છે. જીવ ધર્મ કરવા માગે છે પણ તેને સાચા ઉપાયની ખબર નહિ હોવાથી તે ખોટા ઉપાયો કર્યા વિના રહે નહિ; માટે જીવોએ આ મહાન ભૂલ ટાળવા માટે પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરવું જોઈએ. તે વિના ધર્મની શરૂઆત કદી કોઈને થાય જ નહિ. ।। ૧।।
પદાર્થોની શ્રદ્ધા કરવી તે [सम्यग्दर्शनम्] સમ્યગ્દર્શન છે.
(૧) તત્ત્વોની સાચી શ્રદ્ધાનું નામ સમ્યગ્દર્શન છે. ‘અર્થ’ એટલે દ્રવ્ય-ગુણ- પર્યાય; ‘તત્ત્વ’ એટલે તેનો ભાવ-સ્વરૂપ; સ્વરૂપ (ભાવ) સહિત પ્રયોજનભૂત પદાર્થોનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે.
(ર) આ ગાથામાં સમ્યગ્દર્શનને ઓળખવાનું લક્ષણ આપ્યું છે. સમ્યગ્દર્શન લક્ષ્ય અને તત્ત્વાર્થશ્રદ્ધા તેનું લક્ષણ છે.
(૩) કોઈ જીવને ‘આ જાણપણું છે, આ શ્વેત વર્ણ છે’ ઇત્યાદિ પ્રતીતિ તો હોય, પરંતુ દર્શન-જ્ઞાન આત્માનો સ્વભાવ છે અને હું આત્મા છું તથા પુદ્ગલ મારાથી ભિન્ન (જુદો) પદાર્થ છે, એવું શ્રદ્ધાન ન હોય તો ઉપર કહેલા માત્ર ‘ભાવ’નું શ્રદ્ધાન જરાપણ કાર્યકારી નથી.. ‘હું આત્મા છું’ એવું શ્રદ્ધાન કર્યું પણ આત્માનું જેવું સ્વરૂપ છે તેવું શ્રદ્ધાન કર્યું નહિ, તો ‘ભાવ’ના શ્રદ્ધાન વિના આત્માનું શ્રદ્ધાન ખરું નથી; માટે ‘તત્ત્વ’ અને તેના ‘અર્થ’નું શ્રદ્ધાન હોય તે જ કાર્યકારી છે.