અ. ૯ સૂત્ર ૪૦ ] [ પ૮૭
ત્રીજું સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિધ્યાન માત્ર કાયયોગના ધારકને હોય છે. (ગુણસ્થાન ૧૩ નો છેલ્લો ભાગ).
ચોથું વ્યુપરતક્રિયાનિવર્તિધ્યાન યોગરહિત-અયોગી જીવોને હોય છે. (ગુણસ્થાન ૧૪)
(૧) કેવળી ભગવાનને અતીન્દ્રિયજ્ઞાન હોય છે, તેનો અર્થ એવો નથી કે તેમને દ્રવ્યમન નથી. દ્રવ્યમનનો તેમને સદ્ભાવ છે, પણ તેમને મનોનૈમિત્તિક જ્ઞાન નથી કેમકે માનસિક જ્ઞાન તો ક્ષાયોપશમરૂપ છે, અને કેવળી ભગવાનને ક્ષાયિકજ્ઞાન હોવાથી તેનો અભાવ છે.
(૨) મનોયોગ ચાર પ્રકારના છે-૧- સત્ય મનોયોગ, ૨-મૃષા મનોયોગ, ૩- સત્યમૃષા મનોયોગ, ૪-અસત્યમૃષા મનોયોગ એટલે કે જેમાં સત્યપણું, અને મૃષાપણું એ બન્ને નથી, આને અનુભય મનોયોગ પણ કહેવાય છે. કેવળી ભગવાનને આ ચારમાંથી પહેલો અને ચોથો મનોયોગ વચનના નિમિત્તે ઉપચારથી કહેવામાં આવે છે.
પ્રશ્નઃ– કેવળીને સત્યમનોયોગનો સદ્ભાવ હોય તે તો બરાબર છે, પણ તેમને વસ્તુનું યથાર્થ જ્ઞાન છે અને સંશય તથા અનધ્યવસાયરૂપ જ્ઞાનનો અભાવ છે તેથી તેમને અનુભય અર્થાત્ અસત્યમૃષા મનોયોગ કેવી રીતે સંભવે છે?
ઉત્તરઃ– સંશય અને અનધ્યવસાયના કારણરૂપ જે વચન તેનું નિમિત્તકારણ મન હોય છે, તેથી તેમાં શ્રોતાના ઉપચારથી અનુભયધર્મ રહી શકે છે, માટે સંયોગી જિનને અનુભય મનોયોગનો સદ્ભાવ ઉપચારથી કહેવામાં આવે છે. આ રીતે સયોગી જિનને અનુભયમનોયોગ સ્વીકારવામાં કાંઈ વિરોધ નથી. કેવળીના જ્ઞાનના વિષયભૂત પદાર્થો અનંત હોવાથી, અને શ્રોતાને આવરણકર્મનો ક્ષયોપયમ અતિશયરહિત હોવાથી કેવળીના વચનોના નિમિત્તે સંશય અને અનધ્યવસાયની ઉત્પત્તિ થઈ શકે છે. તેથી અનુભય મનોયોગનો સદ્ભાવ ઉપચારથી કહેવામાં આવે છે. (શ્રી ધવલા પુસ્તક ૧ પા. ૨૮૨ થી ૨૮૪ તથા ૩૦૮)
કેવળી ભગવાનને ક્ષાયોપશમિકજ્ઞાન (ભાવમન) નહિ હોવા છતાં તેમને સત્ય અને અનુભય એ બે પ્રકારના મનોયોગની ઉત્પત્તિ કહેવામાં આવી છે તે ઉપચારથી કહેવામાં આવી છે. ઉપચારથી મનદ્વારા એ બન્ને પ્રકારનાં વચનોની ઉત્પત્તિનું વિધાન કરવામાં આવ્યું છે. જેમ બે પ્રકારના મનોયોગ કહ્યા છે તેમ બે પ્રકારના વચનયોગ પણ કહેવામાં આવ્યા છે, તે પણ ઉપચારથી છે કેમ કે કેવળી ભગવાનને બોલવાની ઇચ્છા નથી, સહજપણે દિવ્યધ્વનિ છે. (શ્રી ધવલા પુસ્તક ૧ પા. ૨૮૩ તથા ૩૦૮)