પ૯૨ ] [ મોક્ષશાસ્ત્ર
બધાથી વિરતિરૂપ પંચમહાવ્રતમાં સ્થિરવૃત્તિ ધારણ કરે છે; યોગ (- મન-વચન-કાય) ના નિગ્રહરૂપ ગુપ્તિઓનાં અવલંબનનો ઉદ્યોગ કરે છે; ઇર્યા, ભાષા, એષણા, આદાનનિક્ષેપણ અને ઉત્સર્ગ એ પાંચ સમિતિમાં સર્વથા પ્રયત્નવંત છે.
વિવિક્તશય્યાસન અને કાયકલેશમાં નિરંતર ઉત્સાહ રાખે છે; પ્રાયશ્વિત, વિનય, વૈયાવૃત્ય, વ્યુત્સર્ગ, સ્વાધ્યાય અને ધ્યાનને અર્થે ચિત્તને વશ કરે છે.
વીર્યાચાર સંબંધમાં– કર્મકાંડમાં સર્વશક્તિપૂર્વક વર્તે છે. આ જીવો ઉપર પ્રમાણે કર્મચેતનાની પ્રધાનતાપૂર્વક અશુભભાવની પ્રવૃત્તિ છોડે છે, પણ શુભભાવની પ્રવૃત્તિને આદરવા યોગ્ય માનીને અંગીકાર કરે છે; તેથી સકલ ક્રિયાકાંડના આડંબરથી પર, દર્શન-જ્ઞાન-ચારિત્રની ઐક્ય પરિણતિરૂપ જ્ઞાનચેતનાને તેઓ કોઈ પણ કાળે પામતા નથી.
તેઓ ઘણા પુણ્યના ભારથી ગર્ભિત ચિત્તવૃત્તિ ધારી રહે છે તેથી સ્વર્ગલોકાદિ ક્લેશપ્રાપ્તિ કરીને પરંપરાએ લાંબા કાળ સુધી સંસાર-સાગરમાં પરિભ્રમણ કરે છે. (જુઓ, શ્રી પંચાસ્તિકાય, ગાથા ૧૭૨ ટીકા)
૨. પ્રશ્નઃ– આ અધિકારમાં જે જે કાર્યો સંવર-નિર્જરારૂપ કહ્યાં છે તે કાર્યોને કેવળ વ્યવહારાલંબી જીવ પણ આદરે છે, છતાં તેને સંવર-નિર્જરા કેમ થતાં નથી?
ઉત્તરઃ– આ અધિકારમાં જે કાર્યો સંવર-નિર્જરારૂપ કહ્યાં છે તે વ્યવહારલંબી જીવના શુભભાવરૂપ નથી. કેવળ વ્યવહારાલંબી તો મિથ્યાદ્રષ્ટિ છે, કેમકે શુભભાવને ધર્મ માને છે તથા તેને ધર્મમાં મદદગાર માને છે, તેથી તેને શુદ્ધતા પ્રગટે નહિ અને સંવર-નિર્જરા થાય નહિ. જે જીવોને શુદ્ધ નિશ્ચયનયનું આલંબન હોય તેઓ સમ્યગ્દ્રષ્ટિ છે, તેઓ શુભ ભાવને ધર્મ માનતા નથી. તેમને રાગદ્વેષ ટાળવાનો પુરુષાર્થ કરતાં અશુભ ટળીને જે શુભ રહી જાય છે તેને તેઓ ધર્મ માનતા નથી; તેથી ક્રમેક્રમે વીતરાગભાવ વધારીને, તે શુભભાવને પણ તેઓ ટાળે છે. એવા જીવોના વ્યવહારને આ અધિકારમાં ઉપચારથી સંવર-નિર્જરાનું કારણ કહેલ છે.
આ ઉપચાર પણ જ્ઞાનીના શુભભાવરૂપ વ્યવહારને લાગુ પડે છે, કેમ કે તેમને તે વ્યવહારની હેયબુદ્ધિ હોવાથી તેને ટાળે છે. અજ્ઞાની તો વ્યવહારને જ ધર્મ માનીને આદરે છે તેથી શુભરાગને તો ઉપચારથી પણ સંવર-નિર્જરાનું કારણ કહેવાય નહિ.