પ૯૬ ] [ મોક્ષશાસ્ત્ર (૨) સમુદ્ઘાત કેવળી અને (૩) અયોગ કેવળી. આ ત્રણેમાં પણ વિશુદ્ધતાના કારણે ઉત્તરોત્તર અસંખ્યાતગુણી નિર્જરા છે. અત્યંત વિશુદ્ધતાને કારણે સમુદ્ઘાત કેવળીને નામ, ગોત્ર અને વેદનીયકર્મની સ્થિતિ આયુકર્મ સમાન થઈ જાય છે.
આ સૂત્રમાં નિર્જરા માટે પ્રથમ પાત્ર સમ્યગ્દ્રષ્ટિ જણાવેલ છે, તેથી એમ સિદ્ધ થાય છે કે સમ્યગ્દર્શનથી જ ધર્મની શરૂઆત થાય છે.
આ સૂત્રમાં નિર્જરાના દસ પાત્રોનો જે અનુક્રમ આપ્યો છે તેનો અર્થ એમ ન સમજવો કે વિરત ગુણસ્થાનવાળા જીવ કે જેને ત્રીજા પાત્રમાં મૂકેલ છે તેના કરતાં ચોથા અને પાંચમાં પાત્રમાં મૂકેલા ચોથા કે પાંચમા ગુણસ્થાનવર્તી અનંતાનુબંધીના વિસંયોજકને કે દર્શનમોહના ક્ષપકને વધારે નિર્જરા થાય છે. પણ એમ સમજવું કે તે તે ગુણસ્થાનવર્તી જીવ જો અનંતવિયોજક થાય કે દર્શનમોહ ક્ષપક થાય તો તે જીવને પહેલાં કરતાં અસંખ્યાતગુણી દ્રવ્યનિર્જરા થાય છે. ।। ૪પ।।
पुलाकबकुशकुशीलनिर्ग्रंथस्नातका निर्ग्रंथा।। ४६।।
નિર્ગ્રંથ અને સ્નાતક- એ પાંચ પ્રકારના [निर्ग्रथाः] નિર્ગ્રંથ (-સાધુ) છે.
(૧) પુલાક–જે ઉત્તરગુણોની ભાવનાથી રહિત હોય અને કોઈ ક્ષેત્ર તથા કાળમાં કોઈ મૂળગુણમાં પણ અતિચાર લગાડે, તથા જેને અલ્પ વિશુદ્ધતા હોય તેને પુલાક કહે છે. (જુઓ, સૂત્ર ૪૭ માં આપેલ પ્રતિસેવનાની વિગત)
(૨) બકુશ–જે મૂળગુણોનું નિર્દોષ પાલન કરે છે પણ શરીર તથા ઉપકરણોની શોભા વધારવા માટે ધર્માનુરાગના કારણે કાંઈક ઇચ્છા રાખે છે તેને બકુશ કહે છે.
(૩) કુશીલ– તેના બે પ્રકાર છે-૧. પ્રતિસેવના કુશીલ અને ૨. કષાય કુશીલ. જેને શરીરાદિ તથા ઉપકરણાદિથી પૂર્ણ વિરક્તતા ન હોય, અને મૂળગુણ તથા ઉત્તરગુણની પરિપૂર્ણતા હોય, પરંતુ ઉત્તરગુણમાં કાંઈક વિરાધના કોઈ વાર થતી હોય તેને પ્રતિસેવના કુશીલ કહે છે. અને જેમણે સંજ્વલન સિવાય બીજા કષાયોને જીતી લીધા હોય તેને કષાય કુશીલ કહે છે.