Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 626 of 655
PDF/HTML Page 681 of 710

 

ગુજરાતી ટીકા પરિશિષ્ટ-૧] [ ૬૨૭

મોક્ષમાર્ગનું બે પ્રકારે કથન
निश्चयव्यवहाराभ्यां मोक्षमार्गो द्विधा स्थितः।
तक्राद्यः साध्यरुपः स्याद् द्वितीयस्तस्य साधनम्।। २।।

અર્થઃ– નિશ્ચયમોક્ષમાર્ગ અને વ્યવહારમોક્ષમાર્ગ એમ બે પ્રકારે મોક્ષમાર્ગનું કથન છે; તેમાં પહેલો સાધ્યરૂપ છે અને બીજો તેના સાધાનરૂપ છે.

પ્રશ્નઃ– વ્યવહારમોક્ષમાર્ગ સાધન છે તેનો અર્થ શું? ઉત્તરઃ– પ્રથમ રાગસહિત દર્શન-જ્ઞાન-ચારિત્રનું સ્વરૂપ જાણવું અને તે જ વખતે ‘રાગ તે ધર્મ નથી કે ધર્મનું સાધન નથી’ એમ માનવું. એમ માન્યા પછી જીવ જ્યારે રાગને તોડીને નિર્વિકલ્પ થાય ત્યારે તેને નિશ્ચયમોક્ષમાર્ગ થાય છે અને તે જ વખતે રાગસહિત દર્શન-જ્ઞાન-ચારિત્રનો વ્યય થયો તેને વ્યવહાર મોક્ષમાર્ગ કહેવાય છે; એ રીતે ‘વ્યય’ તે સાધન છે.

૨. આ સંબંધમાં શ્રી પરમાત્મપ્રકાશમાં નીચે પ્રમાણે જણાવ્યું છે- પ્રશ્નઃ– નિશ્ચયમોક્ષમાર્ગ તો નિર્વિકલ્પ છે અને તે વખતે સવિકલ્પ મોક્ષમાર્ગ નથી, તો તે (સવિકલ્પ મોક્ષમાર્ગ) શી રીતે સાધક થાય છે?

ઉત્તરઃ– ભૂતનૈગમનથી પરંપરાએ સાધક થાય છે એટલે કે પૂર્વે તે હતો પણ વર્તમાનમાં નથી છતાં ભૂતનૈગમનયે તે વર્તમાનમાં છે એવો સંકલ્પ કરીને તેને સાધક કહ્યો છે (પા. ૧૪૨ સંસ્કૃત ટીકા). આ સંબંધમાં અધ્યાય ૬ સૂત્ર ૧૮ ની ટીકા પારા પ માં છેલ્લો પ્રશ્ન અને તેનો ઉત્તર છે તે વાંચવો.

૩. શુદ્ધનિશ્ચયનયે શુદ્ધાત્માનુભૂતિરૂપ વીતરાગ (–નિશ્ચય) સમ્યક્તવનું કારણ નિત્ય આનંદસ્વભાવ એવો નિજ શુદ્ધાત્મા જ છે.

(પરમાત્મપ્રકાશ પા. ૧૪પ)
૪. મોક્ષમાર્ગ બે નથી.

મોક્ષમાર્ગ તો કાંઈ બે નથી પણ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષમાર્ગને મોક્ષમાર્ગ નિરૂપણ કર્યો છે તે નિશ્ચય (ખરો) મોક્ષમાર્ગ છેઃ તથા જે મોક્ષમાર્ગ તો નથી પરંતુ મોક્ષમાર્ગમાં નિમિત્ત છે અથવા સાથે હોય છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહેવામાં આવે છે, પણ તે ખરો મોક્ષમાર્ગ નથી.

નિશ્ચયમોક્ષમાર્ગનું સ્વરૂપ
श्रद्धानाधिगमोपेक्षाः शुद्धस्य स्वात्मनो हि याः।
सम्यक्त्वज्ञानवृत्तात्मा मोक्षमार्गः स निश्चयः।। ३।।