Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 632 of 655
PDF/HTML Page 687 of 710

 

ગુજરાતી ટીકા પરિશિષ્ટ-૧ ] [ ૬૩૩ છે. એ ગુણના નિમિત્તથી બધા ગુણોમાં જે સીમાનું ઉલ્લંઘન થતું નથી તેને પણ અગુરુલઘુ કહેવાય છે; તેથી અહીં અગુરુલઘુને દર્શનાદિકનું વિશેષણ કહેવું જોઈએ.

અર્થાત્–અગુરુલઘુરૂપ પ્રાપ્ત થવાવાળા જે દર્શન, જ્ઞાન, ચારિત્ર છે તે આત્માથી જુદાં નથી અને પરસ્પરમાં પણ તેઓ કાંઈ જુદાં જુદાં નથી; દર્શન-જ્ઞાન- ચારિત્રરૂપ જે રત્નત્રય છે, તેનું તે (અગુરુલઘુ) સ્વરૂપ છે અને તે તન્મય જ છે. એ રીતે અગુરુલઘુરૂપ રત્નત્રયમય આત્મા છે, પણ આત્મા તેનાથી જુદી ચીજ નથી. કેમ કે આત્માનો અગુરુલઘુસ્વભાવ છે અને આત્મા રત્નત્રયસ્વરૂપ છે તેથી તે સર્વે આત્માથી અભિન્ન છે.

ઉત્પાદ્–વ્યય–ધ્રૌવ્યસ્વરૂપનું અભેદપણું
दर्शनज्ञानचारिक्रध्रौव्योत्पादव्ययास्तु ये।
दर्शनज्ञानचारिक्रमयस्यात्मन
एव ते।। २०।।

અર્થઃ– દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય છે તે સર્વે આત્માના જ છે; કેમ કે દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ જે રત્નત્રય છે તે આત્માથી ભિન્ન નથી. દર્શન- જ્ઞાન-ચારિત્રમય જ આત્મા છે, અથવા તો દર્શન-જ્ઞાન-ચારિત્ર આત્મામય જ છે, તેથી રત્નત્રયના જે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય છે તે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય આત્માના જ છે. પરસ્પરમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય પણ અભિન્ન જ છે.

આ રીતે જો રત્નત્રયનાં જેટલાં વિશેષણો છે તે સર્વે આત્માનાં જ છે અને આત્માથી અભિન્ન છે તો રત્નત્રયને પણ આત્મસ્વરૂપ જ માનવું જોઈએ.

આ પ્રકારે અભેદરૂપથી જે નિજાત્માનાં દર્શન-જ્ઞાન-ચારિત્ર છે તે નિશ્ચયરત્નત્રય છે, તેના સમુદાયને (-એકતાને) નિશ્ચય મોક્ષમાર્ગ કહેવાય છે. આ જ મોક્ષમાર્ગ છે.

નિશ્ચય વ્યવહાર માનવાનું તાત્પર્ય
स्यात् सम्यकत्वज्ञानचारिक्ररूपः पर्यायार्थादेशतो मुक्तिमार्गः।
एको ज्ञाता सर्वदेवाद्वितीयः स्याद् द्रव्यार्थादेशतो मुक्तिमार्गः।। २१।।

અર્થઃ– સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, તથા સમ્યક્ચારિત્રરૂપ જુદી જુદી પર્યાયો દ્વારા જીવને જાણવો તે પર્યાયાર્થિકનયની અપેક્ષાએ મોક્ષમાર્ગ છે. અને એ સર્વે પર્યાયોમાં જ્ઞાતા જીવ એક જ સદા રહે છે, પર્યાય તથા જીવનો કોઈ ભેદ નથી-એમ રત્નત્રયથી આત્માને અભિન્ન જાણવો તે દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ મોક્ષમાર્ગ છે.