Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 15 of 655
PDF/HTML Page 70 of 710

 

૧૨] [મોક્ષશાસ્ત્ર નામ-(૧) પ્રશમ (ર) સંવેગ (૩) અનુકંપા અને (૪) આસ્તિકય.

પ્રશમ = ક્રોધ-માન-માયા-લોભસંબંધી રાગ-દ્વેષાદિકનું મંદપણું,
સંવેગ = સંસાર એટલે કે વિકારી ભાવનો ભય.
અનુકંપા = પોતે અને પર એમ સર્વ પ્રાણીઓ પર દયાનો પ્રાદુર્ભાવ.
આસ્તિકય = જીવાદિ તત્ત્વોનું જેવું અસ્તિત્વ છે તેવું આગમ અને યુક્તિ
વડે માનવું તે આસ્તિકય.

સરાગ સમ્યગ્દ્રષ્ટિને આ ચાર પ્રકારના રાગમાં જોડાણ હોય છે, તેથી એ ચાર ભાવોને ઉપચારથી સમ્યગ્દર્શનનાં લક્ષણ કહેવામાં આવે છે. જીવને સમ્યગ્દ્રર્શન ન હોય તો તે શુભભાવો પ્રશમાભાસ, સંવેગાભાસ, અનુકંપાભાસ અને આસ્તિકયાભાસ છે એમ સમજવું. પ્રશમાદિ સમ્યગ્દર્શનનાં ખરાં (નિશ્ચય) લક્ષણ નથી, તેનું ખરું લક્ષણ પોતાના શુદ્ધાત્માની પ્રતીતિ છે.

(૧૩) સમ્યગ્દર્શનનો વિષય–લક્ષ

પ્રશ્નઃ– સમ્યગ્દ્રષ્ટિ પોતાના આત્માને કેવો માને છે? ઉત્તરઃ– સમ્યગ્દ્રષ્ટિ પોતાના આત્માને પરમાર્થે ત્રિકાળી શુદ્ધ, ધ્રુવ, અખંડ ચૈતન્યસ્વરૂપ માને છે.

પ્રશ્નઃ– તે વખતે જીવની વિકારી અવસ્થા તો હોય છે તેનું શું? ઉત્તરઃ– વિકારી અવસ્થા સમ્યગ્જ્ઞાનનો વિષય છે તેથી તેને સમ્યગ્દ્રષ્ટિ જાણે છે ખરા પણ સમ્યગ્દ્રષ્ટિનું લક્ષ અવસ્થા (પર્યાય, ભેદ) ઉપર હોતું નથી; કારણ કે અવસ્થાના લક્ષે જીવને રાગ થાય છે અને ધ્રુવસ્વરૂપના લક્ષે શુદ્ધ પર્યાય પ્રગટે છે.

(૧૪) બીજા સૂત્રનો સિદ્ધાંત

સંસાર-સમુદ્રથી રત્નત્રયરૂપી (સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી) જહાજને પાર કરવા માટે સમ્યગ્દર્શન ચતુર ખેવટિયો (નાવિક) છે. જે જીવ સમ્યગ્દર્શન પ્રગટ કરે છે તે અનંત સુખને પામે છે; જે જીવને સમ્યગ્દર્શન નથી તે પુણ્ય કરે તો પણ તે અનંત દુઃખ ભોગવે છે; માટે ખરું સુખ પ્રાપ્ત કરવા જીવોએ તત્ત્વનું સ્વરૂપ યથાર્થ સમજી સમ્યગ્દર્શન પ્રગટ કરવું. તત્ત્વનું સ્વરૂપ સમજ્યા વિના કોઈ જીવને સમ્યગ્દર્શન થાય નહિ; જે જીવો તત્ત્વનું સ્વરૂપ યથાર્થપણે સમજે તેને સમ્યગ્દર્શન થાય જ-એમ આ સૂત્ર પ્રતિપાદન કરે છે. ।। ।।