૧૪] [મોક્ષશાસ્ત્ર થાય છે, કોઈ જીવને આત્મજ્ઞાની પુરુષનો ઉપદેશ સાંભળે ત્યારે તુરત સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે અને કોઈને તે ભવમાં લાંબે વખતે કે પછીના ભવમાં ઉત્પન્ન થાય છે; જેને તુરત સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે તેને અધિગમજ સમ્યગ્દર્શન થયું એમ કહેવામાં આવે છે, અને જેને પૂર્વના સંસ્કારથી ઉત્પન્ન થાય છે તેને નિસર્ગજ સમ્યગ્દર્શન થયું એમ કહેવામાં આવે છે.
જેમ વૈદક સંબંધીનું જ્ઞાન મેળવવું હોય તો વૈદકના જ્ઞાની ગુરુની શિક્ષા દ્વારા તે પ્રાપ્ત કરી શકાય, પણ વૈદકના અજ્ઞાની દ્વારા પ્રાપ્ત કરી શકાય નહિ; તેમ આત્મજ્ઞાની ગુરુના ઉપદેશ દ્વારા સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકાય છે, પણ આત્માના અજ્ઞાની એવા ગુરુના ઉપદેશ દ્વારા પ્રાપ્ત કરી શકાતું નથી; માટે સાચા સુખના ઉમેદવાર જીવોએ ઉપદેશકની પસંદગી કરવામાં કાળજી રાખવાની જરૂર છે. જો ઉપદેશકની પસંદગી કરવામાં ભૂલ કરે તો જીવ સમ્યગ્દર્શન પામી શકે નહિ-એમ સમજવું. ।। ૩।।
जीवाजीवास्त्रवबन्धसंवरनिर्जरामोक्षास्तत्त्वम्।। ४।।
આસ્રવ, ૪-બંધ, પ-સંવર, ૬-નિર્જરા અને ૭-મોક્ષ એ સાત [तत्त्वम्] તત્ત્વ છે.
૧. જીવઃ– જીવ એટલે આત્મા, તે સદાય જાણનારો, પરથી જુદો ને ત્રિકાળ ટકનારો છે. જ્યારે તે પરનિમિત્તના શુભ અવલંબનમાં જોડાય છે ત્યારે તેને શુભભાવ (પુણ્ય) થાય છે; અશુભ અવલંબનમાં જોડાય છે ત્યારે અશુભભાવ (પાપ) થાય છે; અને જ્યારે સ્વાવલંબી થાય ત્યારે શુદ્ધભાવ (ધર્મ) થાય છે.
ર. અજીવઃ– જેમાં ચેતના-જાણપણું નથી; તેવાં દ્રવ્યો પાંચ છે. તેમાં ધર્મ, અધર્મ, આકાશ અને કાળ તે ચાર અરૂપી છે અને પુદ્ગલ રૂપી-સ્પર્શ, રસ, ગંધ, વર્ણ સહિત છે.
અજીવ વસ્તુઓ આત્માથી જુદી છે તેમ જ અનંત આત્માઓ પણ એકબીજાથી સ્વતંત્ર-જુદા છે. પર લક્ષ વગર જીવમાં વિકાર થાય નહિ; પર તરફ વલણ કરતાં જીવને પુણ્ય-પાપની શુભાશુભ વિકારી લાગણી થાય છે.
૩. આસ્રવઃ– વિકારી શુભાશુભ ભાવપણે અરૂપી અવસ્થા જીવમાં થાય તે ભાવઆસ્રવ અને તે સમયે નવાં કર્મ યોગ્ય રજકણોનું આવવું (આત્મા સાથે એકક્ષેત્રે રહેવું) તે દ્રવ્ય-આસ્રવ છે.