અ. ૧ સૂત્ર ૬] [૨પ સમ્યક્ત્વ થાય છે, માટે તેનું શ્રદ્ધાન કરવું. એ બન્ને નયોને સમકક્ષી (સરખી હદના) માનવા તે મિથ્યાત્વ છે.
વીતરાગે કહેલો વ્યવહાર અશુભમાંથી બચાવી જીવને શુભભાવમાં લઈ જાય છે; તેનું દ્રષ્ટાંત દ્રવ્યલિંગી મુનિ છે; તે ભગવાને કહેલાં વ્રત વગેરે નિરતિચાર પાળે છે અને તેથી શુભભાવ વડે નવમી ગ્રૈવેયકે જાય છે, પણ તેનો સંસાર ઊભો રહે છે; અને ભગવાને કહેલો નિશ્ચય શુભ અને અશુભ બન્નેથી બચાવી જીવને શુદ્ધભાવમાં-મોક્ષમાં લઈ જાય છે, તેનું દ્રષ્ટાંત સમ્યગ્દ્રષ્ટિ છે કે જે નિયમા (ચોક્કસ) મોક્ષ પ્રાપ્ત કરે છે.
જૈન શાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિઃ- જૈનશાસ્ત્રોમાં વસ્તુનું સ્વરૂપ સમજાવવાના બે પ્રકાર છેઃ નિશ્ચયનય અને વ્યવહારનય.
(૧) નિશ્ચયનય એટલે કે વસ્તુ સત્યાર્થપણે જેમ હોય તેમ જ કહેવું તે; માટે નિશ્ચયનયની મુખ્યતાથી જ્યાં કથન હોય ત્યાં તેને તો ‘સત્યાર્થ એમ જ છે’ એમ જાણવું અને-
(ર) વ્યવહારનય એટલે કે વસ્તુ સત્યાર્થપણે તેમ ન હોય પણ પર વસ્તુ સાથેનો સંબંધ બતાવવા માટે કથન હોય-જેમકે ‘ઘીનો ઘડો.’ ઘડો તે ઘીનો નથી પણ માટીનો છે, છતાં ઘી અને ઘડો બન્ને એક જગ્યાએ રહેલાં છે તેટલું બતાવવા તેને ‘ઘીનો ઘડો’ કહેવામાં આવે છે; એ રીતે જ્યાં વ્યવહારથી કથન હોય ત્યાં ‘ખરેખર તેમ નથી પણ નિમિત્તાદિ બતાવવા માટે ઉપચારથી તે કથન છે’ એમ સમજવું.
બન્ને નયોના કથનને સત્યાર્થ જાણવું અર્થાત્ ‘આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે’ એમ માનવું તે ભ્રમ છે. માટે નિશ્ચય કથનને સત્યાર્થ જાણવું અને વ્યવહારકથનને સત્યાર્થ ન જાણવું, પણ નિમિત્તાદિ બતાવનારૂં તે કથન છે-એમ સમજવું.
આ પ્રમાણે બન્ને નયોના કથનનો અર્થ કરવો તે બન્ને નયોનું ગ્રહણ છે. બન્નેને આદરવાલાયક ગણવા તે ભ્રમ છે. સત્યાર્થને જ આદરવાલાયક ગણવું જોઈએ.
_________________________________________________________________