૨૬] [મોક્ષશાસ્ત્ર
જે જીવ આત્માના ત્રિકાળી સ્વરૂપને સ્વીકારે પણ વર્તમાન પર્યાયમાં પોતાને વિકાર છે તે ન સ્વીકારે-તે નિશ્ચયાભાસી છે, તેને શુષ્કજ્ઞાની પણ કહેવામાં આવે છે.
જીવને શુભભાવથી ધર્મ થાય એમ સ્વીકારે, પણ જીવના ત્રિકાળી ધ્રુવસ્વભાવને ન સ્વીકારે અને તેથી તે તરફ પોતાનું વલણ ન ફેરવે તે વ્યવહારાભાસી છે; તેને ક્રિયાજડ પણ કહેવામાં આવે છે. શરીરની ક્રિયાથી ધર્મ થાય એમ માને તે તો વ્યવહારાભાસથી પણ ઘણે દૂર છે.
નય ‘રાગવાળા’ તથા ‘રાગવગરના’ એમ બે પ્રકારના છે; તેમાં આગમનો પ્રથમ અભ્યાસ કરતાં નયોનું જે જ્ઞાન થાય તે રાગસહિત નય છે; ત્યાં તે રાગ હોવા છતાં રાગથી ધર્મ નથી એમ જીવ માને તો તે નયનું જ્ઞાન સાચું છે, પણ જો રાગથી ધર્મ થાય એમ માને તો તે જ્ઞાન નયાભાસ છે. બન્ને નયોનું સાચું જ્ઞાન કર્યા પછી પોતાના પર્યાય ઉપરનું લક્ષ છોડી પોતાના ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વભાવ તરફ જીવ લક્ષ કરે ત્યારે સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવ પ્રગટે છે તેથી તે નય રાગરહિત નય છે; તેને ‘શુદ્ધ નયનો આશ્રય અથવા શુદ્ધનયનું અવલંબન’ પણ કહેવામાં આવે છે; તે દશાને ‘નયાતિક્રાંત’ પણ કહેવામાં આવે છે, તેને જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન કહેવામાં આવે છે અને ‘આત્માનો અનુભવ’ પણ તેને જ કહેવામાં આવે છે.
સપ્તભંગી બે પ્રકારની છે. આ સાત ભંગનું સ્વરૂપ ચોથા અધ્યાયના ઉપસંહારમાં આપેલ છે ત્યાંથી જાણી લેવું. બે પ્રકારની સપ્તભંગી છે, તેમાં જે સપ્તભંગીથી એક ગુણ કે પર્યાય દ્વારા આખું દ્રવ્ય જાણવામાં આવે તે પ્રમાણ- સપ્તભંગી છે; અને જે સપ્તભંગીથી કહેવામાં આવેલ ગુણ અથવા પર્યાય દ્વારા તે ગુણ કે પર્યાયનું જ્ઞાન થાય તે નયસપ્તભંગી છે. આ સપ્તભંગીનું જ્ઞાન કરતાં, દરેક દ્રવ્ય સ્વતંત્ર છે અને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ-એવી ખાતરી થવાથી, અનાદિની જીવની ઊંધી માન્યતા ટળી જાય છે.