અ. ૧ સૂત્ર ૬] [૨૭ માનવો તે ભૂલ છે. મોક્ષમાર્ગ બે નથી પરંતુ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષમાર્ગનુું નિરૂપણ કર્યું છે તે નિશ્ચયમોક્ષમાર્ગ છે; તથા જે મોક્ષમાર્ગ તો નથી પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે-તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. આ શાસ્ત્રમાં મુખ્યપણે વ્યવહારનયથી કથન છે, કેમકે તેમાં જિજ્ઞાસુઓને સમજાવવા માટે ભેદો અને નિમિત્તોના વર્ણન દ્વારા કથન કરવામાં આવ્યું છે. એ લક્ષમાં રાખવું કે વ્યવહારનયનાં શાસ્ત્રો ભેદમાં રોકવા માટે નથી પણ ભેદદ્વારા અભેદ આત્માને સમજાવે છે. તેથી તેને વ્યવહાર શાસ્ત્રો કહેવામાં આવે છે. જો આત્માનું અભેદપણું જીવ ન સમજે અને માત્ર ભેદને જ જાણે તો તેને રાગ ટળે નહિ અને ધર્મ થાય નહિ; માટે આત્માનું અભેદપણું સમજવાની જરૂર છે. જો ભેદ પાડીને કહેવામાં ન આવે તો જીવો વસ્તુસ્વરૂપ સમજી શકે નહિ, માટે ભેદો દ્વારા વસ્તુસ્વરૂપ સમજાવવામાં આવે છે.
જૈનશાસ્ત્રોમાં અનેકાન્ત સાચા જીવાદી તત્ત્વોનું નિરૂપણ છે, તથા સાચો રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ બતાવ્યો છે; માટે જો જીવ તેની ઓળખાણ કરે તો મિથ્યાદ્રષ્ટિ રહે નહિ, તેમાં વીતરાગભાવ પોષવાનું જ પ્રયોજન છે, પણ રાગભાવ (પુણ્ય- પાપભાવ) પોષવાનું પ્રયોજન નથી; માટે જેઓ રાગથી-પુણ્યથી ધર્મ થાય એમ માને છે તેઓ જૈનશાસ્ત્રના મર્મને જાણતા નથી.
જે મનુષ્યશરીરને પોતાનું માને, હું મનુષ્ય છું એમ માને, શરીર તે હું છું અથવા શરીર મારું છે એમ માને છે એટલે કે શરીરનું કાંઈ કાર્ય જીવ કરી શકે એમ માને છે તે આત્મા અને અનંત રજકણોને એકરૂપ માનતો હોવાથી (અર્થાત્ ‘અનંત’ના મેળાપને ‘એક’ માનતો હોવાથી) મિથ્યાદ્રષ્ટિ છે; અને તેનું જ્ઞાન તે નિશ્ચયકુનય છે. હું મનુષ્ય છું એવી માન્યતા પૂર્વક વર્તન કરવું તે તેનો (મિથ્યાદ્રષ્ટિનો) વ્યવહાર છે તેથી તે વ્યવહાર-કુનય છે. ખરી રીતે તો તે વ્યવહારને નિશ્ચય ગણે છે જેમકે-‘શરીર તે હું.’-આ દ્રષ્ટાંતમાં શરીર પર છે, તે જીવ સાથે માત્ર એકક્ષેત્રાવગાહે છે છતાં તેને પોતારૂપ માન્યું તેથી તેણે વ્યવહારને નિશ્ચય ગણ્યો. ‘હું તે શરીર’ એમ પણ તે માને છે, તેથી તેણે નિશ્ચયને વ્યવહાર ગણ્યો છે. પર દ્રવ્યોનું પોતે કરી શકે અને પર પોતાને લાભ-નુકશાન કરી શકે એમ માનતા હોવાથી તેઓ મિથ્યા એકાંતી છે.