૨૮] [મોક્ષશાસ્ત્ર
સમસ્ત સાચી વિદ્યાના મૂળરૂપ પોતાના ભગવાન આત્માના સ્વભાવને પ્રાપ્ત થવું, આત્માના સ્વભાવની ભાવનામાં જોડાવું અને આત્મસ્વભાવમાં સ્થિરતા વધારવી તે સમ્યક્ અનેકાન્તદ્રષ્ટિ છે. સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતાના એકરૂપ-ધ્રુવસ્વભાવરૂપ આત્માનો આશ્રય કરે છે તે તેનો નિશ્ચય-સુનય છે, અને અચલિત ચૈતન્યવિલાસરૂપ આત્મવ્યવહાર (શુદ્ધપર્યાય) જે પ્રગટ થાય તે તેનો વ્યવહાર-સુનય છે.
સમ્યગ્દર્શન તે શ્રદ્ધાગુણનો શુદ્ધપર્યાય છે, તેનો વિષય આત્માનો ત્રિકાળી શુદ્ધ ચૈતન્યભાવ છે. સમ્યગ્જ્ઞાન તે જ્ઞાનગુણનો શુદ્ધ પર્યાય છે, તેનો વિષય આત્માનો ત્રિકાળી ચૈતન્યભાવ તથા વર્તમાન પર્યાય એ બન્ને છે. સમ્યક્ચારિત્ર તે ચારિત્રગુણનો શુદ્ધ પર્યાય છે, તેનું કાર્ય સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરવી અને સિદ્ધદશારૂપ કાર્યને ઉત્પન્ન કરવું તે છે.
દરેક વસ્તુ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવે પોતાથી છે અને પર વસ્તુના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે તે વસ્તુ નથી, તેથી દરેક વસ્તુ પોતાનું જ કાર્ય કરી શકે-એમ જાણવું તે ખરી નીતિ છે. જિનેન્દ્રદેવે કહેલું અનેકાન્તસ્વરૂપ, પ્રમાણ અને નિશ્ચય વ્યવહારરૂપ નય એ જ નીતિ છે. જે સત્યપુરૂષો અનેકાન્ત સાથે સુસંગત દ્રષ્ટિ વડે અનેકાન્તમય વસ્તુસ્થિતિને દેખે છે તેઓ સ્યાદ્વાદની શુદ્ધિને પામીને-જાણીને એટલે કે જિનેશ્વરના માર્ગને-ન્યાયને નહિ ઉલ્લંઘતા થકા જ્ઞાનસ્વરૂપ થાય છે.
નોંધઃ– (૧) અનેકાન્તને સમજાવવાની રીતને ‘સ્યાદ્વાદ’ કહેવામાં આવે છે. (ર) સમ્યક્-અનેકાન્તને પ્રમાણ કહેવામાં આવે છે તે ટૂંકું કથન છે; ખરી રીતે સમ્યક્-અનેકાન્તનું જ્ઞાન તે પ્રમાણ છે. તેમ જ સમ્યક્ એકાંતને નય કહેવામાં આવે છે તે ટૂંકું કથન છે, ખરી રીતે સમ્યક્ એકાંતનું જ્ઞાન તે નય છે.
મિથ્યા એકાંતદ્રષ્ટિને વીતરાગ ભગવાન પરિગ્રહ કહે છે, અને તે સમ્યક્ અનેકાન્તદ્રષ્ટિ વડે દૂર થઈ શકે છે.