Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 32 of 655
PDF/HTML Page 87 of 710

 

અ. ૧ સૂત્ર ૬] [૨૯ પણ વપરાય છે; જેમ કે સર્વ જીવો દ્રવ્યઅપેક્ષાએ સિદ્ધસમાન છે, આત્માના સિદ્ધ પર્યાયને ‘નિશ્ચયપર્યાય’ કહેવામાં આવે છે, અને આત્મામાં થતાં વિકારી ભાવને ‘નિશ્ચયબંધ’ કહેવામાં આવે છે.

પોતાના દ્રવ્ય કે પર્યાયને જ્યારે નિશ્ચય કહેવામાં આવે છે ત્યારે, આત્માની સાથે પરદ્રવ્યનો જે સંબંધ હોય તેને આત્માના કહેવામાં આવે તે વ્યવહાર છે-તે ઉપચાર-કથન છે; જેમ કે જડ-કર્મને આત્માનાં કહેવાં તે વ્યવહાર છે; જડ કર્મ તે પરદ્રવ્યની અવસ્થા છે, આત્માની અવસ્થા નથી-છતાં તેને આત્માનાં કહેવામાં આવે છે, તે કથન નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવવા માટે હોવાથી તે વ્યવહારનય છે- ઉપચારકથન છે.

આ અધ્યાયના ૩૩ મા સૂત્રમાં આપેલા નય તે આત્માને તથા દરેક દ્રવ્યને લાગુ પડતા હોવાથી તેને વ્યવહારશાસ્ત્રમાં નિશ્ચયનયના વિભાગ ગણવામાં આવે છે. એ સાત નયોમાંથી પહેલા ત્રણ, દ્રવ્યાર્થિકનયના વિભાગ છે અને પછીના ચાર, પર્યાયાર્થિકનયના વિભાગ છે; પણ તે સાતે નયો ભેદ હોવાથી, અને તેના લક્ષે રાગ થતો હોવાથી અને તે રાગ ટાળવા યોગ્ય હોવાથી અધ્યાત્મ શાસ્ત્રોમાં તે બધાને વ્યવહારનયના પેટા વિભાગો ગણવામાં આવે છે.

આત્માનું સ્વરૂપ સમજવા માટે નય–વિભાગ

શુદ્ધ દ્રવ્યાર્થિકનયની દ્રષ્ટિએ આત્મા ત્રિકાળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે-અહીં (ત્રિકાળ શુદ્ધ કહેવામાં) વર્તમાન વિકારી પર્યાય ગૌણ કરવામાં આવે છે. તે વિકારી પર્યાયઅવસ્થા હોવાથી તે પર્યાયાર્થિકનયનો વિષય છે; અને જ્યારે તે વિકારી દશા આત્મામાં થાય છે એમ બતાવવું હોય ત્યારે, તે વિકારી પર્યાય અશુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય થાય છે. તે પર્યાય પરદ્રવ્યના સંયોગે થાય છે એમ બતાવવું હોય ત્યારે તે વિકારી પર્યાય વ્યવહારનયનો વિષય થાય છે.

આત્માનો અધૂરો પર્યાય પણ વ્યવહારનો વિષય છે, ત્યાં વ્યવહારનો અર્થ ભેદ થાય છે-એમ સમજવું.

નિશ્ચયનય અને દ્રવ્યાર્થિકનય તથા વ્યવહારનય અને પર્યાયાર્થિકનય
જુદા જુદા અર્થમાં પણ વપરાય છે.

રત્નત્રય જીવથી અભિન્ન છે એમ જ્ઞાન કરવું તે દ્રવ્યાર્થિકનયનું સ્વરૂપ છે તથા રત્નત્રય જીવથી ભિન્ન છે એમ જ્ઞાન કરવું તે પર્યાયાર્થિકનયનું સ્વરૂપ છે, અને રત્નત્રયમાં અભેદપૂર્વક પ્રવૃત્તિ હોવી તે નિશ્ચયનયથી મોક્ષમાર્ગ છે, તથા ભેદપૂર્વક પ્રવૃત્તિ હોવી તે વ્યવહારનયથી મોક્ષમાર્ગ છે.