૩૪] [મોક્ષશાસ્ત્ર
પ્રકારની ગણના તે વિધાન છે અને તે ભેદની ગણનાને (ભેદને) સંખ્યા કહે છે; જેમકે સમ્યગ્દ્રષ્ટિના ત્રણ પ્રકાર છે-(૧) ઔપશમિક સમ્યગ્દ્રષ્ટિ (ર) ક્ષાયોપશમિક સમ્યગ્દ્રષ્ટિ અને (૩) ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિ. એ ત્રણ તો પ્રકાર છે, તેની ગણતરી કરવી કે ઔપશમિક સમ્યગ્દ્રષ્ટિ કેટલા, ક્ષાયોપશમિક સમ્યગ્દ્રષ્ટિ કેટલા અથવા ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિ કેટલા-એ ભેદગણના છે. આ વિશેષતાનું જ્ઞાન ‘સંખ્યા’ શબ્દથી થાય છે; ભેદોની ગણતરીની વિશેષતા જણાવવાનું જે કારણ થાય છે, તે ‘સંખ્યા’ છે.
‘વિધાન’ શબ્દમાં મૂળ પદાર્થના ભેદો ગ્રહણ કરવા જ માન્યા છે, તેથી ભેદોના અનેક પ્રકારના ભેદોનું ગ્રહણ કરવા માટે ‘સંખ્યા’ શબ્દ વપરાય છે.
‘વિધાન’ કહેવાથી ભેદ-પ્રભેદ આવી જાય એમ ગણવામાં આવે તો, વિશેષ સ્પષ્ટતા માટે ‘સંખ્યા’ શબ્દ વાપરવામાં આવ્યો છે એમ સમજવું.
‘અધિકરણ’ શબ્દ થોડીક જગ્યા સૂચવે છે તેથી તે વ્યાપ્ય છે. ‘ક્ષેત્ર’ શબ્દ વ્યાપક છે, તે અધિક જગ્યા સૂચવે છે. ‘અધિકરણ’ કહેવાથી સંપૂર્ણ પદાર્થોનું જ્ઞાન થતું નથી. ક્ષેત્ર કહેવાથી સંપૂર્ણ પદાર્થોનું જ્ઞાન થાય છે; માટે સમસ્ત પદાર્થોના જ્ઞાન માટે ‘ક્ષેત્ર’ શબ્દ આ સૂત્રમાં વાપર્યો છે.
‘ક્ષેત્ર’ શબ્દ અધિકરણથી વિશેષતા સૂચવે છે, તો પણ તે એકદેશનો વિષય કરે છે અને ‘સ્પર્શન’ શબ્દ સર્વદેશનો વિષય કરે છે. જેમ-કોઈએ પૂછયું કે ‘રાજા ક્યાં રહે છે?’ ઉત્તર આપ્યો કે ‘અમુક નગરમાં રહે છે.’ અહીં સંપૂર્ણ નગરમાં રાજા રહેતો નથી પરંતુ નગરના એક દેશમાં રહે છે તેથી રાજાનો નિવાસ નગરના એકદેશમાં હોવાથી ‘નગર’ ક્ષેત્ર છે. કોઈએ પૂછયું કે ‘તેલ ક્યાં છે?’ ઉત્તર આપ્યો કે ‘તેલ તલમાં રહે છે.’ અહીં સર્વત્ર તેલ રહેવાના કારણે તલ તે તેલનું સ્પર્શન છે; એવી રીતે ક્ષેત્ર અને સ્પર્શન વચ્ચે એક તફાવત છે.
ક્ષેત્ર વર્તમાન કાળનો વિષય છે, સ્પર્શન ત્રિકાળગોચર વિષય છે. વર્તમાન અપેક્ષાએ જળ ઘડામાં છે, પણ તે ત્રિકાળ નથી. ત્રણેકાળ જે જગ્યાએ પદાર્થની સત્તા રહે તેનું નામ સ્પર્શન છે; એવી રીતે ક્ષેત્ર અને સ્પર્શનનો બીજો તફાવત છે.