Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 39 of 655
PDF/HTML Page 94 of 710

 

૩૬] [મોક્ષશાસ્ત્ર

પ્રશ્નઃ– સર્વજ્ઞની સત્તાનો નિશ્ચય અમારાથી ન થયો તેથી શું થયું? એ દેવ તો સાચા છે માટે પૂજનાદિ કરવાં અફળ થોડાં જ જાય છે?

ઉત્તરઃ– કિંચિત્ મંદકષાયરૂપ પરિણતિ થશે તો પુણ્યબંધ થશે, પરંતુ જિનમતમાં તો દેવના દર્શનથી સમ્યગ્દર્શનરૂપ ફળ થવું કહ્યું છે તે તો નિયમથી સર્વજ્ઞની સત્તા જાણવાથી જ થશે, અન્ય પ્રકારે નહિ થાય. તેથી જેને સાચા જૈની થવું છે તેણે તો સત્દેવ, સત્ગુરુ અને સત્શાસ્ત્રને આશ્રયે સર્વજ્ઞની સત્તાનો તત્ત્વનિર્ણય કરવો યોગ્ય છે; પણ જેઓ તત્ત્વનિર્ણય તો નથી કરતાં અને પૂજા, સ્તોત્ર, દર્શન, ત્યાગ, તપ, વૈરાગ્ય, સંયમ, સંતોષ આદિ બધાંય કાર્યો કરે છે તેનાં એ બધાય કાર્યો અસત્ય છે. માટે સત્ આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરાપર સદ્ગુરુઓનો ઉપદેશ અને સ્વાનુભવ દ્વારા તત્ત્વનિર્ણય કરવો યોગ્ય છે.

પ્રશ્નઃ– મિથ્યાદ્રષ્ટિ દેવ ચાર કારણોથી પ્રથમ ઔપશમિક સમ્યકત્વ પ્રગટ કરે છે, એમ કહ્યું-તેમાં એક કારણ ‘જિનમહિમા’ કહ્યું છે, પણ જિનબિંબદર્શન ન કહ્યું તેનું શું કારણ?

ઉત્તરઃ– જિનબિંબદર્શનનો જિનમહિમાદર્શનમાં સમાવેશ થઈ જાય છે કેમકે જિનબિંબ વિના જિનમહિમાની ઉત્પત્તિ થતી નથી.

પ્રશ્નઃ– સ્વર્ગાવતરણ, જન્માભિષેક અને પરિનિષ્ક્રમણરૂપ જિનમહિમા જિનબિંબ વિના કરવામાં આવે છે તેથી જિનમહિમાદર્શનમાં જિનબિંબપણાનું અવિનાભાવીપણું ન આવ્યું?

ઉત્તરઃ– સ્વર્ગાવતરણ, જન્માભિષેક અને પરિનિષ્ક્રમણરૂપ જિનમહિમામાં પણ ભાવી જિનબિંબનું દર્શન થાય છે. બીજી રીતે જોતાં એ મહિમામાં ઉત્પન્ન થતું પ્રથમ સમ્યકત્વ માટે જિનબિંબદર્શન નિમિત્ત નથી પણ જિનગુણશ્રવણ નિમિત્ત છે.

પ્રશ્નઃ– દેવઋદ્ધિદર્શનમાં જાતિસ્મરણનો સમાવેશ કેમ ન થાય? ઉત્તરઃ– પોતાની અણિમાદિક ઋદ્ધિઓને દેખીને જ્યારે એવો વિચાર ઉત્પન્ન થાય છે કે-આ ઋદ્ધિઓ જિનભગવાને ઉપદેશેલા ધર્માનુષ્ઠાનથી ઉત્પન્ન થઈ છે, ત્યારે પ્રથમ સમ્યકત્વની પ્રાપ્તિ માટે જાતિસ્મરણનિમિત્ત થાય છે; પણ જ્યારે સૌધર્માદિક દેવોની મહાઋદ્ધિઓ દેખીને એવું જ્ઞાન ઉત્પન્ન થાય છે કે-સમ્યગ્દર્શન સહિતના સંયમના ફળથી-શુભભાવથી-તે ઉત્પન્ન થઈ છે અને હું સમ્યકત્વરહિતના દ્રવ્યસંયમના ફળથી વાહનાદિક નીચ દેવોમાં ઉત્પન્ન થયો છું ત્યારે પ્રથમ સમ્યકત્વનું ગ્રહણ દેવઋદ્ધિદર્શન નિમિત્તક થાય છે, આ રીતે જાતિસ્મરણ અને દેવઋદ્ધિદર્શન એ બે કારણોમાં ફેર છે.