Moksha Shastra (Gujarati). Sutra: 9 (Chapter 1).

< Previous Page   Next Page >


Page 40 of 655
PDF/HTML Page 95 of 710

 

અ. ૧ સૂત્ર ૯] [૩૭

નોંધઃ– નારકીઓમાં જાતિસ્મરણ અને વેદનારૂપ કારણોમાં પણ આ વિવેક લાગુ પાડી લેવો.

પ્રશ્નઃ– આણત, પ્રાણત, આરણ અને અચ્યુત આ ચાર કલ્પોના મિથ્યાદ્રષ્ટિ દેવોને પ્રથમ સમ્યકત્વમાં દેવઋદ્ધિદર્શન કારણ કેમ કહ્યું નથી?

ઉત્તરઃ– એ ચાર કલ્પોમાં મહાઋદ્ધિવાળા ઉપરના દેવોનું આગમન હોતું નથી, તેથી ત્યાં મહાઋદ્ધિદર્શનરૂપ પ્રથમ સમ્યકત્વની ઉત્પત્તિનું કારણ કહેવામાં આવ્યું નથી, તે જ કલ્પોમાં સ્થિત દેવોની મહાઋદ્ધિનું દર્શન પ્રથમ સમ્યકત્વની ઉત્પત્તિનું નિમિત્ત થતું નથી; કેમકે તે ઋદ્ધિઓને વારંવાર જોવાથી વિસ્મય થતું નથી. વળી તે કલ્પોમાં શુક્લલેશ્યાના સદ્ભાવને કારણે મહાઋદ્ધિના દર્શનથી કોઈ સંકલેશભાવ ઉત્પન્ન થતો નથી.

નવ ગ્રૈવેયકોમાં મહાઋદ્ધિદર્શન નથી, કેમકે ત્યાં ઉપરના દેવોના આગમનનો અભાવ છે. જિનમહિમાદર્શન પણ ત્યાં નથી, કેમકે તે વિમાનવાસી દેવો નંદીશ્વરાદિક મહોત્સવ જોવા જતા નથી. અવધિજ્ઞાનથી જિનમહિમાઓ તેઓ દેખે છે, તોય તે દેવોને રાગ ઓછો હોવાથી જિનમહિમાદર્શનથી તેમને વિસ્મય ઉત્પન્ન થતો નથી.

(શ્રી ધવલા પુસ્તક ૬ પૃષ્ઠ ૪૩ર થી ૪૩૬)
સૂત્ર ૪ થી ૮ નો એક્ંદર સિદ્ધાંત

જિજ્ઞાસુ જીવોએ જીવાદિ દ્રવ્યો તથા તત્ત્વોને પિછાણવાં; ત્યાગવાયોગ્ય એવાં મિથ્યાત્વ-રાગાદિ તથા ગ્રહણ કરવા યોગ્ય એવાં સમ્યક્દર્શનાદિકનું સ્વરૂપ ઓળખવું, પ્રમાણ-નયોવડે તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવું, તથા નિર્દેશ, સ્વામિત્વાદિવડે અને સત્- સંખ્યાદિવડે તેમના વિશેષો જાણવા. ૮.

હવે સમ્યગ્જ્ઞાનના ભેદ કહે છે

मतिश्रुतावधिमनःपर्ययकेवलानि ज्ञानम्।। ९।।

અર્થઃ– [मति श्रुत अवधि मनःपर्यय केवलानि] મતિ, શ્રુત, અવધિ,

મનઃપર્યય અને કેવળ એ પાંચ [ज्ञानम्] જ્ઞાન છે.

ટીકા

મતિજ્ઞાન– પાંચ ઈન્દ્રિયો અને મન દ્વારા (પોતાની શક્તિ અનુસાર) જે જ્ઞાન થાય તે મતિજ્ઞાન છે.

શ્રુતજ્ઞાન–મતિજ્ઞાન દ્વારા જાણવામાં આવેલા પદાર્થને વિશેષરૂપથી જાણવો તે શ્રુતજ્ઞાન છે.