અનુવાદઃ — હે જિનેન્દ્ર! સંસારરૂપ સમુદ્રમાં પડતા પ્રાણીનું રક્ષણ આપનો
જ ધર્મ કરે છે. બીજાઓનો ધર્મ તો ભીલના ધર્મ (ધનુષ્ય) સમાન અન્ય જીવોને
મારવાનું જ કારણ થાય છે. ૪૦.
(आर्या )
अण्णो को तुह पुरओ वग्गइ गरुयत्तणं पयासंतो ।
जम्मि तइ परमियत्तं केसणहाणं पि जिण जायं ।।४१।।
અનુવાદઃ — હે જિન! જે આપના વાળ અને નખ પણ પરિમિતતા પામ્યા
અર્થાત્ વૃદ્ધિરહિત થઈ ગયા હતા તેવા આપની આગળ બીજો કોણ પોતાનો મહિમા
પ્રગટ કરતો થકો જઈ શકે? અર્થાત્ કોઈ જઇ શકે નહિ.
વિશેષાર્થઃ — કેવળજ્ઞાન પ્રગટતાં નખ અને વાળની વૃદ્ધિ થતી નથી. એ બાબત
ઉપર અહીં એમ ઉત્પ્રેક્ષા કરવામાં આવી છે કે તે નખકેશની વૃદ્ધિનો અભાવ જાણે એમ
સૂચન કરતો હતો કે આ જિનેન્દ્ર ભગવાન સર્વશ્રેષ્ઠ છે, એમની આગળ બીજા કોઈનો પ્રભાવ
રહી શકતો નથી. ૪૧.
(आर्या )
सहइ शरीरं तुह पहु तिहुयणजणणयणबिंबविच्छुरियं ।
पडिसमयमच्चियं चारुतरलणीलुप्पलेहिं व ।।४२।।
અનુવાદઃ — હે પ્રભો! આપના શરીર ઉપર જે ત્રણે લોકના પ્રાણીઓના
નેત્રોનું પ્રતિબિંબ પડી રહ્યું હતું તેનાથી વ્યાપ્ત તે શરીર એવું લાગતું હતું કે જાણે
તે નિરંતર સુંદર અને ચંચળ નીલકમળો દ્વારા પૂજા પામી રહ્યું હોય. ૪૨.
(आर्या )
अहमहमियाए णिवडंति णाह छुहियालिणो व्व हरिचक्खू ।
तुज्झ च्चिय णहपहसरमज्झट्ठियचलणकमलेसुं ।।४३।।
અનુવાદઃ — હે નાથ! તમારા જ નખોની કાન્તિરૂપ સરોવરની મધ્યમાં
સ્થિત ચરણરૂપ કમળો ઉપર જે ઇન્દ્રના નેત્રો પડે છે તે એવા દેખાય છે કે
જાણે અહમહમિકા અર્થાત્ હું પહેલાં પહોંચું, હું પહેલાં પહોંચું, આ રૂપે ભૂખ્યા
ભ્રમર જ તેમની ઉપર પડી રહ્યા હોય. ૪૩.
અધિકાર – ૧૩ઃ ૠષભસ્તોત્ર ]૨૯૧