(वंशस्थ)
तव प्रसादः कवितां करोत्यतः कथं जडस्तत्र घटेत मादृशः ।
प्रसीद तत्रापि मयि स्वनन्दने न जातु माता विगुणे ऽपि निष्ठुरा ।।२९।।
અનુવાદ : હે સરસ્વતી! તારી પ્રસન્નતા જ કવિતા કરે છે કારણ કે મારા
જેવો મૂર્ખ મનુષ્ય ભલા તે કવિતા કરવા કેવી રીતે યોગ્ય થઈ શકે? થઈ શકતો
નથી. તેથી તું મૂર્ખ એવા મારા ઉપર પણ પ્રસન્ન થા, કારણ કે માતા પોતાના
ગુણ વિનાના પુત્ર પ્રત્યે પણ કઠોર થતી નથી. ૨૯.
(वंशस्थ)
इमामधीते श्रुतदेवतास्तुतिं कृतिं पुमान् यो मुनिपद्मनन्दिनः ।
स याति परां कवितादिसद्गुणप्रबन्धसिन्धोः क्रमतो भवस्य च ।।३०।।
અનુવાદ : જે મનુષ્ય પદ્મનન્દી મુનિની કૃતિસ્વરૂપ આ શ્રુતદેવીની સ્તુતિ વાંચે
છે તે કવિતાદિ ઉત્તમોત્તમ ગુણોના વિસ્તારરૂપ સમુદ્રના તથા ક્રમે કરીને સંસારના
પણ પારને પ્રાપ્ત થઈ જાય છે. ૩૦.
(शार्दूलविक्रीडित)
कुण्ठास्ते ऽपि बृहस्पतिप्रभृतयो यास्मन् भवन्ति ध्रुवं
तस्मिन् देवि तव स्तुतिव्यतिकरे मन्दा नराः के वयम् ।
तद्वाक्चापलमेतदश्रुतवतामस्माकमम्ब त्वया
क्षन्तव्यं मुखरत्वकारणमसौ येनातिभक्तिग्रहः ।।३१।।
અનુવાદ : હે દેવી! જે તારા સ્તુતિ સમૂહની બાબતમાં નિશ્ચયથી તે બૃહસ્પતિ
આદિ પણ કુંઠિત (અસમર્થ) થઈ જાય છે તેના વિષયમાં અમારા જેવા મંદબુદ્ધિ મનુષ્ય
કોણ હોય? અર્થાત્ અમારા જેવા તો તારી સ્તુતિ કરવામાં સર્વથા અસમર્થ છે. તેથી હે
માતા! શાસ્ત્રજ્ઞાન રહિત અમારી જે આ વચનોની ચંચળતા, અર્થાત્ સ્તુતિરૂપ વચનપ્રવૃત્તિ
છે, તેને તું ક્ષમા કર. કારણ એ છે કે આ વાચાળતા (બકવાદ)નું કારણ તે તારી અતિશય
ભક્તિરૂપ ગ્રહ (પિશાચ) છે. અભિપ્રાય એ કે હું એને યોગ્ય ન હોવા છતાં પણ જે આ
સ્તુતિ કરી છે તે કેવળ તારી ભક્તિને વશ થઈને જ કરી છે. ૩૧.
આ રીતે સરસ્વતીસ્તોત્ર સમાપ્ત થયું. ૧૫.
✲
૩૧૬[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ