સફેદ દેખાયો. તેથી તેમને ઘણો વૈરાગ્ય થયો. તેમણે રામચંદ્રને રાજ્ય આપીને જિનદીક્ષા લેવાનો
નિશ્ચય કર્યો. પિતાની સાથે ભરતનો પણ દીક્ષા લેવાનો વિચાર જાણીને તેની માતા કૈકેયી બહુ
દુઃખી થઈ. તેણીએ એનો એક ઉપાય વિચારીને રાજા દશરથ પાસે પૂર્વે અપાયેલું વરદાન માગ્યું.
રાજાનો સ્વીકાર મેળવીને તેણે ભરતને રાજ્ય આપવાની ઇચ્છા પ્રગટ કરી. રાજા વિચારમાં પડી
ગયા. તેમને ખેદખિન્ન જોઈને રામચંદ્રે મંત્રીઓને તેનું કારણ પૂછ્યું અને તેમની પાસેથી ઉપર્યુક્ત
સમાચાર જાણીને પોતે જ ભરતને પ્રસન્નતાથી રાજ્યતિલક કરી દીધું. ત્યાર પછી ‘મારા અહીં
રહેવાથી ભરતની પ્રતિષ્ઠા નહિ રહી શકે’ આ વિચારથી તે સીતા અને લક્ષ્મણ સાથે અયોધ્યાથી
બહાર ચાલ્યા ગયા. આ પ્રમાણે જતાં તેઓ દંડકવનની મધ્યમાં પહોંચીને ત્યાં સ્થિર થયા. અહીં
વનની શોભા જોતાં લક્ષ્મણ આમ તેમ ઘૂમી રહ્યા હતા. તેમને એક વાંસોના સમૂહમાં લટકતું
એક ખડ્ગ (ચન્દ્રહાસ) જોવામાં આવ્યું. તેમણે ઝડપીને તે હાથમાં લઈ લીધું અને પરીક્ષા માટે
તે જ વાંસના સમૂહ ઉપર ચલાવ્યું. તેથી વાસના સમૂહ સાથે તેની અંદર બેઠેલા શંબૂકકુમારનું
મસ્તક કપાઈને જુદું થઈ ગયું. આ શંબૂકકુમાર જ તેને અહીં બેસીને બાર વર્ષથી સિદ્ધ કરી
રહ્યો હતો. આ ઘટનાના થોડા જ સમય પછી ખરદૂષણની પત્ની અને શમ્બૂકની માતા સૂર્પનખા
ત્યાં આવી પહોંચી. પુત્રની આવી દશા જોઈને તે વિલાપ કરતી આમ તેમ શત્રુની શોધ કરવા
લાગી. તે થોડે જ દૂર રામચંદ્ર અને લક્ષ્મણને જોઈને તેમના રૂપ ઉપર મોહિત થઈ ગઈ.
તેણીએ એ માટે બંનેને પ્રાર્થના કરી, પરંતુ જ્યારે બન્નેમાંથી કોઈએ પણ તેનો સ્વીકાર ન કર્યો
ત્યારે તે પોતાનું શરીર વિકૃત કરીને ખરદૂષણ પાસે પહોંચી અને તેને યુદ્ધ માટે ઉત્તેજિત કર્યો.
ખરદૂષણ પણ પોતાના સાળા રાવણને એને સૂચના કરાવીને યુદ્ધ માટે નીકળી પડ્યો. સેના
સહિત ખરદૂષણને આવતો જોઈને લક્ષ્મણ પણ યુદ્ધ માટે ચાલી નીકળ્યો. તે જતી વખતે
રામચંદ્રને એમ કહેતા ગયા કે હું વિપત્તિગ્રસ્ત થઈને સિંહનાદ કરૂં તો જ તમે મારી સહાય માટે
આવજો, નહિ તો અહીં સ્થિત રહીને સીતાની રક્ષા કરજો. એ દરમ્યાન પુષ્પકવિમાનમાં બેસીને
રાવણ પણ ખરદૂષણની મદદ માટે લંકાથી અહીં આવી રહ્યો હતો. તે અહીં સીતાને બેઠેલી
જોઈને તેના રૂપ ઉપર મોહિત થઈ ગયો અને તેને ઉપાડી જવાનો ઉપાય વિચારવા લાગ્યો, તેણે
ખાસ વિદ્યાથી જાણીને થોડે દૂરથી સિંહનાદ કર્યો. તેથી રામચંદ્ર લક્ષ્મણને આપત્તિમાં પડેલા
સમજીને તેમને મદદ કરવા માટે ચાલ્યા ગયા. આ રીતે રાવણ તક મેળવીને સીતાને હરીને લઈ
ગયો. આ તરફ લક્ષ્મણ ખરદૂષણને મારીને યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી ચૂક્યો હતો. તે અકસ્માત્
રામચંદ્રને આ તરફ આવતા જોઈને ખૂબ ચિન્તાતુર થયા. તેણે તરત જ રામચંદ્રને પાછા જવા
માટે કહ્યું. તેમને પાછા ફરતાં ત્યાં સીતા જોવામાં આવી નહિ. તેથી તે બહુ વ્યાકુળ થયા. થોડી
વારમાં લક્ષ્મણ પણ ત્યાં આવી પહોંચ્યા. તે વખતે તેમને સુગ્રીવ આદિ વિદ્યાધરોનો પરિચય
થયો. કોઈ પણ ઉપાયે હનુમાન લંકા પહોંચી ગયા. તેમણે ત્યાં રાવણના બગીચામાં બેઠેલા
સીતાને અત્યંત વ્યાકુળ જોઈને આશ્વાસન આપ્યું અને તરત જ પાછા આવીને રામચંદ્રને બધી