અધિકાર – ૧ઃ ધર્મોપદેશામૃત ]૫૫
(शार्दूलविक्रीडित)
आयाते ऽनुभवं भवारिमथने निर्मुक्त मूर्त्याश्रये
शुद्धे ऽन्याद्रशि सोमसूर्यहुतभुक्कान्तेरनन्तप्रभे ।
यस्मिन्नस्तमुपैति चित्रमचिरान्निःशेषवस्त्वन्तरं
तद्वन्दे विपुलप्रमोदसदनं चिद्रूपमेकं महः ।।१०८।।
અનુવાદ : જે ચૈતન્યરૂપ તેજ સંસારરૂપી શત્રુને મથનાર છે, રૂપ, રસ,
ગંધ, સ્પર્શરૂપ મૂર્તિના આશ્રય રહિત અર્થાત્ અમૂર્તિક છે, શુદ્ધ છે, અનુપમ છે
તથા ચન્દ્ર, સૂર્ય અને અગ્નિની પ્રભાની અપેક્ષાએ અનંતગુણી પ્રભાથી યુક્ત છે;
તે ચૈતન્યરૂપ તેજનો અનુભવ થઈ જતાં આશ્ચર્ય છે કે અન્ય સમસ્ત પર પદાર્થ
શીઘ્ર જ નષ્ટ થઈ જાય છે અર્થાત્ તેમનો પછી વિકલ્પ જ રહેતો નથી. અતિશય
આનંદ ઉત્પન્ન કરનાર તે એક ચૈતન્યરૂપ તેજને હું નમસ્કાર કરૂં છું. ૧૦૮.
(शार्दूलविक्रीडित)
जातिर्याति न यत्र यत्र च मृतो मृत्युर्जरा जर्जरा
जाता यत्र न कर्मकायघटना नो वाग् न च व्याधयः ।
यत्रात्मैव परं चकास्ति विशदज्ञानैकमूर्तिः प्रभु-
र्नित्यं तत्पदमाश्रिता निरुपमाः सिद्धाः सदा पान्तु वः ।।१०९।।
અનુવાદ : જે મોક્ષપદમાં જન્મ થતો નથી, મૃત્યુ મરી ગયું છે, જરા જીર્ણ
થઈ ગઈ છે, કર્મ અને શરીરનો સંબંધ રહ્યો નથી, વચન નથી, વ્યાધિઓ પણ બાકી
રહી નથી, જ્યાં કેવળ નિર્મળજ્ઞાનરૂપ અદ્વિતીય શરીરને ધારણ કરનાર પ્રભાવશાળી
આત્મા જ સદા પ્રકાશમાન છે; તે મોક્ષપદ પામેલા અનુપમ સિદ્ધ પરમેષ્ઠી સર્વદા
આપની રક્ષા કરો. ૧૦૯.
(शार्दूलविक्रीडित)
दुर्लक्ष्ये ऽपि चिदात्मनि श्रुतबलात् किंचित्स्वसंवेदनात्
ब्रूमः किंचिदिह प्रबोधनिधिभिर्ग्राह्यं न किंचिच्छलम् ।
मोहे राजनि कर्मणामतितरां प्रौढान्तराये रिपौ
द्रग्बोधावरणद्वये सति मतिस्ताद्रक्कुतो माद्रशाम् ।।११०।।